વિદ્યાર્થીઓએ હવે ડિગ્રી મેળવવા માટે મેદાનમાં પરસેવો પાડવો પડશે :
12 મિનિટની દોડ કે વોક ટેસ્ટના આધારે વિદ્યાર્થીને આગળના સેમેસ્ટરમાં પ્રમોશન અપાશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.19
યુજીસી દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે મુજબ વિદ્યાર્થીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને શિક્ષણનો અનિવાર્ય હિસ્સો બનાવી દેવાયો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ આ માર્ગદર્શિકા હવે દરેક યુનિવર્સિટી અને કોલેજોએ લાગુ કરવી પડશે. વિદ્યાર્થીઓએ હવે ડિગ્રી મેળવવા માટે મેદાનમાં પરસેવો પાડવો પડશે, ભણતરની સાથે કસરતના માર્ક્સ ગણાશે. દરેક કોલેજ-યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર બનશે. 12 મિનિટની દોડ કે વોક ટેસ્ટના આધારે વિદ્યાર્થીને આગળના સેમેસ્ટરમાં પ્રમોશન અપાશે.
યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશને ચિંતા વ્યક્ત કરી છે કે કોલેજોમાં રમતગમતની ફી લેવાય છે, પરંતુ માત્ર 1થી 2% વિદ્યાર્થીઓ જ તેનો લાભ લે છે. આથી હવે શારીરિક પ્રવૃત્તિને ઈવેલ્યુએશન પ્રોસેસ સાથે જોડી દેવામાં આવી છે. વિદ્યાર્થીની શક્તિ, સહનશક્તિ અને સંકલન ક્ષમતાના આધારે તેને આગામી સેમેસ્ટરમાં પ્રમોશન આપવામાં આવશે. શારીરિક રીતે અસ્વસ્થ વિદ્યાર્થી સમાજ માટે જવાબદારી સમાન છે તેવું બોર્ડનું માનવું છે. દરેક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાએ હવે એક સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર બનાવવું પડશે જે સિંગલ-વિન્ડો સિસ્ટમ તરીકે કામ કરશે. આ સેન્ટરમાં મનોવિજ્ઞાન અને શારીરિક શિક્ષણના નિષ્ણાત કાઉન્સેલર્સ રહેશે જે વિદ્યાર્થીઓને એકેડેમિક પ્રેશર, ડિપ્રેશન અને કરિયરની મૂંઝવણોમાં મદદ કરશે. આ સેન્ટર ઓનલાઇન અને ટેલિફોનિક હેલ્પલાઇન દ્વારા પણ સેવા આપશે. માર્ગદર્શિકા મુજબ, કોલેજોએ અત્યાધુનિક જિમ્નેશિયમ, યોગ સેન્ટર અને ઈન્ડોર-આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાઓ ઊભી કરવી પડશે. ખાસ કરીને ગર્લ્સ સ્ટુડન્ટ્સ માટે સેલ્ફ-ડિફેન્સની તાલીમ નિયમિત ધોરણે યોજવી પડશે. આ ઉપરાંત, સંસ્થાઓએ એઈમ્સ જેવી પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાઓ સાથે એમઓયુ કરવા પડશે, જેથી જરૂર પડ્યે વિદ્યાર્થીઓને નિષ્ણાત સારવાર મળી રહે.