Vadodara

યુકે વિઝાના સપના દેખાડી પુજારી સાથે ઠગાઈ: એજન્ટે ₹6.80 લાખ ખંખેર્યા

નકલી એપોઇન્ટમેન્ટ અને ક્રોસ લેટર આપી વિશ્વાસ જીત્યો, ₹12 લાખમાંથી માત્ર ₹5.19 લાખ પરત
(પ્રતિનિધિ) વડોદરા, તા.6
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિરના પુજારી સાથે યુકે વર્ક પરમિટ વિઝા બનાવવાના બહાને મોટી ઠગાઈ થયાની ઘટના સામે આવી છે. પુજારીના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રીને યુકે મોકલવાનું કહી એજન્ટે રૂ.12 લાખ વસૂલ્યા હતા, પરંતુ વિઝા ન બનતા અને આપેલા દસ્તાવેજો બોગસ નીકળતા આખરે પુજારીએ વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વાડી વિસ્તારના મારુ ફળિયામાં રહેતા ભરતભાઈ ઈશ્વરભાઈ રાજપુત રામચોક સ્થિત હનુમાનજી મંદિરમાં પુજા-અર્ચના કરે છે. બે વર્ષ પહેલા મંદિર ખાતે મુલાકાત દરમિયાન સ્વપ્નિલ શાહ નામના શખ્સ સાથે પરિચય થયો હતો. વાતચીત દરમિયાન વિઝા એજન્ટની જરૂર હોવાનું જણાવતાં સ્વપ્નિલ શાહે તેમને સોમાતળાવ વિસ્તારમાં ઓફિસ ધરાવતા સત્યમ ત્રિલોક શાહ સાથે મુલાકાત કરાવી હતી.
સત્યમ શાહે પુજારીને તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી માટે યુકે વર્ક પરમિટ વિઝા બનાવી આપવાનું કહી કુલ રૂ.16.50 લાખ ખર્ચ થવાની વાત કરી હતી. ત્યારબાદ વિશ્વાસમાં લઈને ટુકડે ટુકડે RTGS મારફતે પુજારી પાસેથી રૂ.12 લાખ વસૂલવામાં આવ્યા હતા.
પછી વિઝા પ્રક્રિયા અંગે પૂછપરછ કરતાં એજન્ટે ખોટા ક્રોસ લેટર, એપોઇન્ટમેન્ટ લેટર અને ફી ભર્યાની વિગતો પુજારીના પુત્ર વિરલના મોબાઇલ પર મોકલી હતી. પરંતુ તપાસ કરતાં આ તમામ દસ્તાવેજો બોગસ હોવાનું બહાર આવ્યું હતું.
વારંવાર રૂપિયા પરત માંગતા એજન્ટે માત્ર રૂ.5.19 લાખ પરત આપ્યા હતા, જ્યારે બાકી રૂ.6.80 લાખ આજદિન સુધી પરત આપ્યા નથી કે વિઝા પણ બનાવી આપ્યા નથી. અંતે પુજારીએ એજન્ટ સત્યમ ત્રિલોક શાહ વિરુદ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top