Vadodara

મૌન મેયરે સામાન્ય સભાના એજન્ડા પર આ વખતે કેમ બતાવ્યું કડક વલણ?

સભાના એજન્ડા મુદ્દે મેયર પિંકી સોનીના વલણ પર ચર્ચા

વડોદરા મહાનગર પાલિકા ફરી એકવાર આંતરિક જૂથવાદ અને સંકલનના અભાવને લઈને ચર્ચામાં આવી છે. તાજેતરમાં સામાન્ય સભાનો એજન્ડા જાહેર થતાં જ મેયર પિંકી સોનીના વલણમાં અચાનક બદલાવ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે સભાના એજન્ડા અંગે મેયરને પૂર્વજ્ઞાન આપવામાં આવે છે અને તેમનો સહમતિ બાદ જ એજન્ડા જાહેર કરવામાં આવે છે, પરંતુ આ વખતે એવી પ્રક્રિયા દેખાઈ ન આવી. એજન્ડા બહાર આવ્યા પછી મેયર પિંકી સોનીએ તેને રોકાવવા માટે તનતોડ પ્રયાસો શરૂ કર્યા હતા. કોર્પોરેશનના વલયો અને ઓફિસરોમાં ચાલતી ચર્ચાઓ મુજબ, આ પહેલો પ્રસંગ છે જ્યારે પિંકી સોનીએ સભાના એજન્ડા મામલે સ્પષ્ટ અને ઉગ્ર વલણ દાખવ્યું છે. અગાઉ સભાના એજન્ડા અંગે તેઓ ખાસ એક્ટિવ નહીં હોવા છતાં, આ વખતે તેમના વલણથી સ્પષ્ટ સંકેત મળે છે કે ક્યાંક કંઈક બરાબર નથી.

તાજેતરમાં મેયર પિંકી સોનીએ જાહેરમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, જેને લઈને સંગઠનમાં પણ નારાજગીની લાગણી જોવા મળી. ભલે નવા શહેર ભાજપ પ્રમુખ પદાધિકારીઓને ટકોર કરતા રહે, તેમ છતાં જૂથવાદ અને આંતરિક વિખવાદ અવારનવાર બહાર આવે છે. આ સમગ્ર ઘટનામાં પુનઃ એકવાર પાલિકા-સંગઠન વચ્ચે સમન્વયના અભાવની સ્થિતિ સ્પષ્ટ થાય છે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને શહેર ભાજપ સંગઠન વચ્ચે સુસંગતતાનો અભાવ ન રહ્યો હોત તો આવી સ્થિતિ ઊભી ન થાત.

Most Popular

To Top