મોરા સરસવા રોડ પર બે બાઇક સામસામે ધડાકાભેર અથડાઈ
મોરવાહડફ તાલુકામાં મોરા સરસવા રોડ ઉપર બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં બે બાઈક ચાલક સહિત 3 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, સંતરામપુર તાલુકાના સરસવા ગામના છત્રાભાઈ હેમાભાઈ ભાભોરના વેવાઈ મોરવાહડફ તાલુકાના વિરણીયા ગામના ગણપતભાઈ ગેમાભાઈ ઘોડના નાનીરેલ ખાતે રહેતા સગાના ઘરે લગ્નપ્રસંગ હોવાથી તેમના 19 વર્ષીય પુત્ર દિનેશભાઈ છત્રાભાઈ ભાભોરને તેમના ઘરે બોલાવ્યો હતો.
જેથી દિનેશભાઈ ભાભોર ઘરેથી નીકળી વિરણીયા ગામે જવા નીકળ્યો હતો.
રાતે પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના વિરણીયા ગામના 35 વર્ષીય દશરથભાઈ ઘેમાભાઈ ઘોડ, 18 વર્ષીય મીના ગણપતભાઈ ઘોડ અને સરસવા ગામના 19 વર્ષીય દિનેશ છત્રાભાઈ ભાભોર આ ત્રણેય જણ દિનેશની બાઈક ઉપર બેસી નાનીરેલ ખાતે લગ્નપ્રસંગમાં ગયા હતા. તેઓ લગ્નપ્રસંગ પતાવી નારલથી મોરા તરફ આવતા હતા. આ સમયે મોરાથી સરસવા તરફ જતી એક બાઈકનો ચાલક પોતાની બાઈક રોંગ સાઈડમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવતા સરસવાથી મોરા તરફ આવતી દિનેશની બાઈકને ટક્કર મારી હતી.
જેમાં બાઈક ચાલક દિનેશ ભાભોર અને પાછળ બેઠેલ દશરથભાઈ ઘોડ તેમજ મીના ગણપતભાઈ ઘોડ રોડ ફેંકાઈ જતા દિનેશને માથાના ભાગે તેમજ હાથના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બાઈક ચાલક મુકેશ કેશાભાઈ નાયકને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દશરથ ઘોડને મોઢા અને છાતીના ભાગે, મીના ગણપતભાઈ ઘોડને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઉપરાંત અન્ય બાઈક ઉપર સવાર અજય નરવતભાઈ નાયક અને મહેશભાઇ બુધાભાઈ નાયક ને પણ ઈજાઓ થતાં તેઓને મોરા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે ઈજાગ્રસ્ત અજય નરવતભાઈ નાયકનું મોત થયાનું જણાવ્યું હતું.
આ અકસ્માતમાં ઈજા પામનાર દશરથભાઈ ઘેમાભાઈ ઘોડ, મીના ગણપતભાઈ ઘોડ અને મહેશભાઈ બુધાભાઈ નાયકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ ઘટનાની જાણ થતાં મોરવાહડફ પોલીસ ઘટના સ્થળે પહોંચી દિનેશ અને મુકેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા હતા અને સારવાર દરમિયાન મૃત્યુ પામનાર અજય નાયકના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ રૂમ મુકવામાં આવ્યો હતો.