ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા પ્રતિબંધ ભારત માટે ચેતવણીરૂપ : ડૉ. પરેશ શાહ
વડોદરા:
તાજેતરમાં રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી નાખ્યો છે. મોબાઇલ ન મળતાં માત્ર 12 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવતા ફરી એકવાર બાળકોમાં વધતા મોબાઇલ અને સોશિયલ મીડિયા વ્યસન પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ એકલદી ઘટના નથી; ગુજરાત સહિત દેશ-વિદેશમાં આવા બનાવો સતત વધી રહ્યા છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઑસ્ટ્રેલિયાએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. 10 ડિસેમ્બરથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવ્યો છે. નિયમ ભંગ થવા પર બાળક કે માતા-પિતા નહીં, પરંતુ ફેસબુક, યુટ્યુબ અને ટિકટોક જેવી એપ્લિકેશન્સ જવાબદાર ગણાશે અને ભારે દંડનો પણ પ્રાવધાન રાખવામાં આવ્યો છે. શૈક્ષણિક એપ્સને આ પ્રતિબંધમાંથી મુક્ત રાખવામાં આવી છે.
આ મુદ્દે રાજકોટના જાણીતા માનસિક રોગ નિષ્ણાત ડૉ . પરેશ શાહે જણાવ્યું કે,
“બાળકોનું મગજ હજુ વિકસતી અવસ્થામાં હોય છે. સોશિયલ મીડિયા પર હિંસા, મૃત્યુ, ઝઘડા અને નકારાત્મક સામગ્રી બાળકના મન પર ઊંડી અને લાંબા સમય સુધી અસર કરે છે. મોબાઇલ ન મળે ત્યારે બાળકમાં ચિંતા, ગુસ્સો, અશાંતિ અને ડિપ્રેશન જેવી ગંભીર માનસિક સમસ્યાઓ દેખાય છે.”
ડૉ. શાહે વધુમાં કહ્યું કે મોબાઇલની લત એક પ્રકારની માનસિક નિર્ભરતા છે. “એકવાર લત લાગી જાય પછી મોબાઇલ વગર બાળક અસ્વસ્થ અનુભવે છે, જે ભવિષ્યમાં ગંભીર પરિણામો લાવી શકે છે.”
ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય બાળકોની મેન્ટલ હેલ્થ અને સ્વસ્થ વિકાસ માટે એક સાહસી અને પ્રશંસનીય પગલું ગણાઈ રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારત જેવા દેશોએ પણ હવે આ દિશામાં ગંભીર વિચાર કરવાનો સમય આવી ગયો છે.