વડોદરામાં વડાપ્રધાનની સંભવિત મુલાકાતને લઇને વરસાદી કાંસ છુપાવતુ તંત્ર
પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને હાલ વડોદરા શહેરના વિવિધ જગ્યાએ રંગ રોગાન થઈ રહ્યું છે. વડાપ્રધાન જે રૂટ પરથી પસાર થવાના છે એવા અમિત નગર બ્રિજને પણ રંગવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર બ્રિજ પર પેઇન્ટિંગ્સ પણ દોરવામાં આવી રહ્યા છે અને રૂટ પરની દિવાલો ઉપર પણ પેઇન્ટિંગ બનાવવામાં આવી રહ્યા છે. આ કામગીરી 20 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મોદી જે રૂટ પરથી પસાર થવાના છે, તે રૂટ પર પેચવર્ક, ભુવાઓનું પૂરાણ, ફૂટપાથનું રિપેરિંગ અને તૂટેલા ડિવાઈડરનું સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે.પરંતુ એ સાથે જ મોદી સાહેબની નજરમાં શહેરની ગંદકી ન આવે તે માટે વરસાદી કાંસને આડસ કરીને ઢાંકવામાં આવી રહી છે.
આગામી 28 ઓક્ટોબરે PM મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બ્લી લાઈનના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવાના છે. જેને લઈને વડોદરા શહેરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
વડાપ્રધાન જે રૂટ પરથી પસાર થવાના છે તે સમગ્ર રૂટ પર રોડ કાર્પેટિંગ, બ્રિજ પર રંગરોગાન, રોડની બંને બાજુ ફૂટપાથની કામગીરી ચાલતી જોવા મળી રહી છે. વડોદરાના ન્યૂ વીઆઇપી રોડ પર વડાપ્રધાન મોદીની નજરથી ઝુપડપટ્ટી અને ગંદકી છૂપાવવા આડા મોટા મોટા પતરા મારવામાં આવી રહ્યા છે.
રસ્તામાં વૃક્ષોની ડાળીઓ નડતરરૂપ ન થાય તે માટે ટ્રિમિંગ પણ કરવામાં આવ્યું છે. ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટથી વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસ જવાના રોડ પર સાંઇદીપનગર સોસાયટી પાસે મોટા મોટા પતરાના શેડ મારવામાં આવી રહ્યા છે. અહીં રોડની બાજુમાં ઝુપડપટ્ટી અને ખૂબ જ ગંદકી છે. જેને વડાપ્રધાનથી છુપાવવા માટે આ શેડ મારવામાં આવી રહ્યા છે. વઅહીં બંને બાજુ ફૂટપાથની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાનના હસ્તે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ એસેમ્બ્લી લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ન્યૂ આઈપી રોડ પર વૈકુંઠ નજીક ઊભા કરાયેલા ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એરક્રાફ્ટ પ્લાન્ટ ખાતે આ કાર્યક્રમ યોજાશે, જેમાં દેશના 1500 ઉદ્યોગપતિને પણ આમંત્રણ અપાયું હોવાની માહિતી મળી છે. વડાપ્રધાનના આગમન અને વિકાસ સપ્તાહ અંતર્ગત પાલિકા દ્વારા શહેરને સુશોભિત કરવા કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં સરકારી ઇમારતો પર લાઇટિંગ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. આધારભૂત સૂત્રો મુજબ વડાપ્રધાનના ન્યૂ વીઆઇપી રોડથી લક્ષ્મી વિલાસ પેલેસ સુધીના રૂટને દિવાળીની જેમ રોશનીથી પણ શણગારવામાં આવશે.