બનાસકાંઠામાં વિજય રૂપાણી અને મોરબી હોનારતમાં બાબુભાઈ પટેલ સતત કેમ્પ કરીને રહ્યા હતા
ઠેર ઠેર નેતાઓનો વિરોધ થતાં મુખ્યમંત્રી તો ઠીક રાજયના મંત્રી પણ વડોદરા આવવા તૈયાર નથી
વડોદરા શહેરમાં પૂરમાં જ્યારે લોકો હાલાકી નો સામનો કરતા હતા ત્યારે કોઈ નેતા તકલીફ ભોગવી રહેલી પ્રજા પાસે જવા તૈયાર ના હતા. જેને કારણે વડોદરાની પ્રજા ખૂબ વેઠવું પડ્યું અને ઠેર ઠેર પુર ના પાણી ઓસર્યા બાદ નેતાઓ વિસ્તાર માં પહોંચ્યા ત્યારે લોકો નો વિરોધ સહન કરવો પડે છે. ગુજરાત રાજ્ય સરકારે ઘણી બધી રાહત સામગ્રી તો મોકલી સાથેસાથે સ્થાનિક નેતાઓનો વિરોધ જોતા હર્ષ સંઘવીએ ડેમેજ કંટ્રોલ માટે વડોદરા આવી રાહત સામગ્રી લોકો સુધી પહોચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્થાનિક નેતાઓ અને ખાસ કરી ભાજપના નેતાઓ માટે પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2006ના સુરતના તાપીના પૂર, સુરતમાં લોકો જેને તાપીની રેલ કહે છે, વખતે કામગીરીમાંથી મોદીના નામે ચૂંટાતા લોકોએ ધડો લેવા જેવો છે.
સુરતમાં 2006માં જે પૂર આવ્યું તેની ભયાનકતા વડોદરાના આ વખતના પૂર કરતા અનેક ગણી વધારે હતી. સુરત આખું પાણીમાં ગરકાવ હતું. પરંતુ તે સમયે લોકોએ સરકારની ટીકા કરવાનો બદલે વખાણ કર્યાં હતાં. તેનું કારણ હતું તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ત્વરિત કાર્યવાહી. મોદી પોતે સુરતમાં રહ્યા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં જાતે કામગીરી કરાવી. મોદી જ્યાં જતા ત્યાં લોકો ભરાયેલા પાણી વચ્ચે પણ આવકાર આપતા. આખી સરકાર સુરતમાં ખડકાઈ હતી અને રાઉન્ડ ધ કલોક સફાઈ થઈ, તેને કારણે 4 દિવસમાં તો સુરત ફરી ઉભુ થઈ ગયું હતું. બનાસકાંઠાના પૂર વખતે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કેમ્પ કરીને રહ્યા હતા. મોરબી હોનારત વખતે તે સમયના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની કામગીરીને પણ લોકો યાદ કરે છે. આનાથી સાવ ઉલટું વડોદરામાં થયું. મુખ્યમંત્રી આવ્યા પરંતુ ચાર કલાકની વડોદરાની મુલાકાતમાં બેઠકો કર્યાં પછી કેટલાય આદેશો કરી પરત ફર્યા. પહેલેથી થયેલી વ્યવસ્થા મુજબ જ્યાં વિરોધ થાય એવું નહોતું એવા એક રાહત કેમ્પની મુલાકાત લીધી અને વડોદરાને એના હાલ પર છોડી ગાંધીનગર રવાના થઈ ગયા. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવ્યા એ પણ ચાર કલાક પછી પાછા જતા રહ્યા . હાઈકમાંડ નારાજ થતાં તેઓ રાતોરાત ટ્રેન પકડી વડોદરા આવી ગયા અને અધિકારીઓ જોડે તમામ વિસ્તારની મુલાકાત લીધી અને હાલત ની જાણકારી મેળવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બે ત્રણ વિઝિટ કરી અને રાજ્ય સરકારે વિશ્વામિત્રી માટે 1200, કરોડ અને બીજા મોટા પેકેજો ની જાહેરાતો કરી બસ આટલું કરવાથી શું વડોદરાની પરિસ્થિતિ સુધરશે?
2006માં ઉકાઈમાંથી પાણી છોડવાથી આખુંય સુરત ડૂબી ગયું. તે સમયે નરેન્દ્ર મોદી જાતે બોટમાં ફરી જેતે વિસ્તારમાં લોકોની મદદ માટે ઉભા રહ્યા અને મદદ પહોંચાડી હતી. નરેન્દ્ર મોદીએ દરેક વિસ્તારમાં પોતે ઉભા રહી સફાઈ અને આરોગ્યલક્ષી કામો કરાવ્યા હતા અને સુરતને પાછું ધબકતું કર્યું હતું. એને કારણે સુરત મોદીને આજે પણ યાદ કરે છે અને સુરત ભાજપનો ગઢ બન્યું છે.
વડોદરાની આજની પરિસ્થિતિ ની વાત કરીએ તો આજના નેતાઓ માત્ર મોટી મોટી જાહેરાતો કરી લોલીપોપ આપી જતા રહે છે. પ્રજાને પોતાના હાલ પર છોડી દીધા છે. વડોદરાની જનતા જે પ્રમાણે સત્તાપક્ષ નો અને નેતાઓનો વિરોધ કરે છે તે પ્રમાણે હવે લાગે છે પ્રજાએ મન બનાવી લીધું છે કે ભાજપને જાકારો આપવો. આવા સમયે ભાજપના નેતાઓ પ્રજાના દિલ જીતવાને બદલે ભાજપના જ સમર્થક એવા લોકોને જેલમાં ધકેલવા જેવી બાલિશ હરકતો કરી રહ્યા છે. હવે નરેન્દ્ર મોદી પોતે વડોદરાનો કેસ હાથમાં લે તો જ અહી ભલું થશે એવું લાગી રહ્યું છે.