Vadodara

મોટી હોનારત ટળી, વડોદરાના અર્થ આઈકોન કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરાતફરી

ફાયર ફાઈટરોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થતા ‘અર્થ આઈકોન’ બિલ્ડિંગમાં આગ લાગી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

(પ્રતિનિધિ), વડોદરા. તા.17

શહેરના ખોડીયાર નગર ચાર રસ્તા પાસે આવેલા જાણીતા બિઝનેસ સેન્ટર ‘અર્થ આઈકોન’ માં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બહુમાળી બિલ્ડિંગમાં લાગેલી આ આગને પગલે ઉપર આવેલા થિયેટરમાં ફસાયેલા અંદાજે 200 થી 250 જેટલા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, જોકે ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે તમામનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, આગની શરૂઆત બિલ્ડિંગના બેઝમેન્ટમાં આવેલી મુખ્ય ઇલેક્ટ્રિક પેનલમાંથી થઈ હતી. આ પેનલ બેઝમેન્ટથી લઈને ટોપ ફ્લોર સુધી કનેક્ટેડ હોવાથી ધુમાડો અને આગની જ્વાળાઓ ઉપરના માળ સુધી ઝડપથી પ્રસરી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા બિલ્ડિંગની ફાયર સેફ્ટી સિસ્ટમ કાર્યરત હતી કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

Most Popular

To Top