સંતાનો ગુમાવ્યા, હવે હકની લડત લડી રહ્યા છીએ : પીડિતો હરણી બોટ દુર્ઘટનાના પીડિતોની ફરી રજુઆત : “મારી હાજરી કોઈ એજન્ડા નહીં પરંતુ મારા બાળકોના ન્યાય માટે હતી”
વડોદરા : શહેરમાં હરણી બોટ દુર્ઘટનામાં પોતાનું સંતાન ગુમાવનારા પીડિત પરિવારોનો ઘાવ આજે પણ તાજો છે. ગત રોજ વડોદરામાં મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમ દરમિયાન પીડિત બાળકોની માતાઓએ ન્યાય માટે રજુઆત કરતાં હંગામો સર્જાયો હતો. આજે આ પીડિત પરિવારો ફરી એકઠાં થયા અને જાહેરમાં તેમનો વેદનાભર્યો અવાજ મૂક્યો હતો. સંધ્યા નિઝામાએ આ ઘટનાની વાત કરતા કહ્યુ કે, “મારી હાજરી કોઈ એજન્ડા નહીં પરંતુ મારા બાળકોના ન્યાય માટે હતી. અમે કોઈ રાજકીય એજન્ડા હેઠળ નહોતા આવ્યા, પરંતુ અમારા બાળક માટે ન્યાયની આશાએ ઊભા રહ્યા.” તેમણે જણાવ્યુ કે, “ઘટના પછી સીધા મુખ્યમંત્રીને મળવાની કોશિશ કરી. જો મેં હાથ ઊંચા કરીને ‘સર, મને મળવું છે’ કહ્યું હોત તો મને મળવા ન દેત. તેથી એવું વર્તન કરવું પડ્યું કે થોડી હલચલ થાય અને મુખ્યમંત્રીની નજર સુધી હું પહોંચી શકું.” તેમણે વધુમાં કહ્યું કે, “અમે ૧૨ સંતાનો ગુમાવ્યાં છે, તેમ છતાં હજારો લોકો વચ્ચે એકપણ વ્યક્તિએ અમારો સાથ ન આપ્યો. અમારું દુઃખ સમજવાને બદલે, અમારું મોઢું દબાવાયું, અકારણ પૂછપરછ થઈ અને અમને ગુનેગાર સમાન વર્તન મળ્યું.”
પીડિત મહિલાઓએ આરોપ મૂક્યો કે તેમને પાણીગેટ પોલીસ મથક અને ત્યારબાદ ક્રાઇમ બ્રાંચ લઈ જવામાં આવ્યા. ચાર કલાક સુધી પોલિસે તેમને અસંબંધિત પ્રશ્નો પૂછ્યા જેમ કે, “તમે આશિષ જોશીને કઈ રીતે ઓળખો છો?”, “તમે કોના સંપર્કમાં હતા?”, “તમે ક્યારે આવ્યા?” જે ગંભીર દુઃખ ભોગવી રહેલી માતાઓ માટે માનસિક યાતના સમાન હતું. પોલીસે તેમના મોબાઈલ ફોન પણ લીધા હોવાનો આરોપ લગાવ્યો અને જણાવ્યું કે, “તમે મેસેજ દ્વારા શું વાતો કરો છો તે જાણવા માટે મોબાઈલ લીધા હતા.” પીડિત મહિલાઓએ સ્પષ્ટ કહ્યું કે તેઓ કોઈ રાજકીય એજન્ડાથી જોડાયેલા નથી અને ન્યાય મેળવવાનો તેમનો હક્ક છે. મુખ્યમંત્રી સાથે થયેલી મુલાકાત અંગે જણાવ્યું કે, “અમે મુખ્યમંત્રીને જણાવ્યું કે ૧૬ મહિના થઈ ગયા છતાં શાળા સંચાલકો સામે કોઈ કાર્યવાહી થઈ નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે તમારા વકીલને મોકલો, હું વાત કરી લઈશ, નહીં તો હું વકીલ આપું.” આ સમગ્ર ઘટના પછી પીડિત પરિવારોએ અંતે કહ્યું, “અમે હવે દિલ્હી પણ ચક્કર લગાવીશું. પગપાળા જઈશું, પણ અમારા સંતાનોના ન્યાય માટે લડત અવિરત રહેશે.”
હું ગુનેગાર નહોતી, ન્યાય માગતી હતી
હરણી બોટકાંડના પીડિત માતાએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું, જ્યારે પોલીસે મને દબોચી લીધી, ત્યારે એક ક્ષણ માટે એવું લાગ્યું જાણે હું કોઈ ભયંકર ગુનેગાર હોઉં. જાણે મેં કોઈની હત્યા કરી હોય, જાણે હું સમાજ માટે ખતરો હોવું. મને કંઈપણ બોલવા માટે પણ મનાઈ કરવામાં આવી. મેં શાંતિથી કહ્યું, “મેં શું ગુનો કર્યો છે?” પરંતુ જવાબ મળ્યો નહીં… મળ્યો તો માત્ર દુર્વ્યવહાર. મને ઢસડીને લઈ જવામાં આવી. પાંચ-છ વખત હું પડી પડતાં બચી. જો હું પડી જાત, તો હાથ કે પગ તૂટી જાય તે નક્કી હતું. પરંતુ તેઓ માટે એ મહત્વનું ન હતું. હું ત્યાં કોઈ હલ્લાબોલ કરવા ગઈ નહોતી. હું તો માત્ર મારા બાળકના ન્યાય માટે જ ગઈ હતી. ૧૬ મહિનાનું દુઃખ આજે પણ મારો શ્વાસ અટકાવે છે. અને એના પર પણ મને આ રીતે ઢસેડવામાં આવે છે. શું હવે અવાજ ઉઠાવવો પણ ગુનો બની ગયો છે?