વડોદરા પાલિકામાં ‘ભૂકંપ’: “શહેરને બોબડા મેયર મળ્યા છે” કાઉન્સિલર આશિષ જોષીના આકરા પ્રહારથી સભા ગુંજી ઉઠી!
હરણી કાંડના પીડિતોની ઉપેક્ષા અને અધિકારીઓની મનમાની મુદ્દે વિપક્ષ લાલચોળ; વર્ષ 2026ની પ્રથમ સામાન્ય સભા હંગામેદાર રહી
વડોદરા મહાનગરપાલિકાની વર્ષ 2026ની પ્રથમ સામાન્ય સભા આજે ભારે વિવાદો અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો વચ્ચે સંપન્ન થઈ હતી. વર્ષની શરૂઆતની આ બેઠકમાં શહેરના વિકાસના મુદ્દાઓ કરતા હરણી બોટ કાંડ અને મેયરની નિષ્ક્રિયતાના મુદ્દે વિપક્ષે શાસક પક્ષને બરાબરના ભીંસમાં લીધા હતા. ખાસ કરીને વોર્ડ નં. 15ના કાઉન્સિલર આશિષ જોષીએ મેયર પિન્કીબેન સોની સામે કરેલી આકરી ટિપ્પણીઓએ પાલિકાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
સભાની શરૂઆતમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને પૂર્વ વિપક્ષી નેતા અમી રાવતે શહેરની કથળતી જનસુવિધાઓ અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી મુદ્દે તંત્રને ઘેર્યું હતું. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે પોલિસીના અમલીકરણમાં પારદર્શકતાનો અભાવ છે અને ગરીબ ફેરિયાઓ હેરાન થઈ રહ્યા છે. જેના જવાબમાં ધારાસભ્ય કેયુર રોકડીયા અને સ્ટેન્ડિંગ ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ બચાવ કરતા જણાવ્યું હતું કે તંત્ર નિયમ મુજબ કામ કરી રહ્યું છે અને વિકાસ કાર્યોમાં ગતિ લાવવામાં આવશે.
સભામાં સૌથી વધુ આક્રમક મિજાજ કાઉન્સિલર આશિષ જોષીનો જોવા મળ્યો હતો. તેમણે હરણી બોટ કાંડની બીજી પુણ્યતિથિનો ઉલ્લેખ કરતા મેયર પર આકરા પ્રહારો કર્યા હતા. જોષીએ કહ્યું કે, “જ્યારે હરણી કાંડના પીડિત પરિવારો ન્યાય માટે ટળવળી રહ્યા છે, ત્યારે મેયર પાસે તેમને સાંત્વના આપવાનો પણ સમય નથી. આ શહેરનું દુર્ભાગ્ય છે કે આપણને ‘બોબડા મેયર’ મળ્યા છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે ગઈકાલે જ્યારે મુખ્યમંત્રીએ સંવેદનશીલતા દાખવી કાર્યક્રમ રદ કર્યો, ત્યારે પાલિકાના અધિકારીઓ માસ લીવ પર હતા અને મેયરને તેની જાણ સુદ્ધાં નહોતી. મેયરનું મીડિયા સમક્ષનું નિવેદન કે ‘મને મીડિયા દ્વારા જાણ થઈ’ તે અત્યંત શરમજનક બાબત છે.
આશિષ જોષીએ મેયરની કાર્યશૈલી સાથે કમિશનરના વલણ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે અગાઉના મેયરોની એવી ધાક હતી કે કમિશનર સામેથી રિપોર્ટ કરતા, જ્યારે આજે ભાજપના કાઉન્સિલરોના ફોન પણ કમિશનર ઉપાડતા નથી. સભામાં થયેલી આ ઉગ્ર રજૂઆતોને પગલે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું અને શાસક પક્ષ બચાવની સ્થિતિમાં આવી ગયો હતો.
મુખ્યમંત્રીએ સંવેદનશીલતા દાખવી, પાલિકા તંત્ર બેખબર!…
હરણી બોટ કાંડની બીજી પુણ્યતિથિ નિમિત્તે મુખ્યમંત્રીએ વડોદરાનો પોતાનો કાર્યક્રમ રદ કરીને પીડિતો પ્રત્યે સંવેદનશીલતા દાખવી હતી. બીજી તરફ, વડોદરા પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સામૂહિક રજા પર ઉતરી ગયા હોવા છતાં મેયર પિન્કી સોનીને તેની કોઈ જાણકારી નહોતી. આ વહીવટી શૂન્યાવકાશ અને સંકલનનો અભાવ સભામાં ચર્ચાનો કેન્દ્રબિંદુ બન્યો હતો.
‘પહેલાના મેયરોની ધાક હતી, આજે કાઉન્સિલરોના ફોન પણ નથી ઉપડાતા’…
સભા દરમિયાન કાઉન્સિલર આશિષ જોષીએ વહીવટી તંત્ર પર શાસકોની પકડ ઢીલી પડી હોવાનું ટાંકતા જણાવ્યું હતું કે, અધિકારીઓ હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા નથી. કમિશનર શાસક પક્ષના સભ્યોના ફોન પણ રિસીવ કરતા નથી, જે સૂચવે છે કે મેયર પદની ગરિમા અને પ્રભાવમાં ધરખમ ઘટાડો થયો છે. આ નિવેદને પાલિકાના લોબીમાં ખળભળાટ મચાવી દીધો છે.