વડોદરામાં ભાજપના આંતરિક જૂથવાદની એક વધુ ઘટના સામે આવી છે. સુભાનપુરામાં ટીપી સ્કીમ નં. 2 ની જમીનમાં મેડિકલ સેન્ટર બનાવવાની મંજૂરી મુદ્દે પાલિકા સભામાં મતભેદ જોવા મળ્યો. પાલિકા ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી અને શાસક પક્ષના નેતા મનોજ પટેલ વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ. વાદ-વિવાદ એટલો ઉગ્ર હતો કે મેયર પણ મામલે સામેલ થયા અને આખરે ઠરાવ મુલતવી રાખવામાં આવ્યો. શાસક પક્ષના નેતા મનોજ પટેલ મેડિકલ સેન્ટર માટે મંજૂરી આપવા આગ્રહી હતા, જ્યારે ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ આ નિર્ણય મુલતવી રાખવા આગ્રહ કર્યો. આ કારણે સભામાં મતભેદ સર્જાયો. મેયર, ડે. મેયર અને અન્ય શાસક પક્ષના નેતાઓએ પણ ચેરમેનના વિરોધ છતાં ઠરાવ મુલતવી રાખ્યો, જેના કારણે ડૉ. શીતલ મિસ્ત્રી સભામાં જ ઉગ્ર બની ગયા. તેમણે મેયર અને નેતા સામે તીખા પ્રહારો કરતાં કહ્યું, “મને વિશ્વાસમાં લીધા વિના ઠરાવ કરવામાં આવે છે, તમે સ્થાયી સમિતિના ઠરાવને કેવી રીતે બદલી શકો?” આ પર મનોજ પટેલે જવાબ આપતાં કહ્યું કે, “પાર્ટી જે નક્કી કરશે તે જ થશે.”
વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમીક્ષાની મુલાકાતમાં પણ જૂથવાદ સ્પષ્ટ
બુધવારે સવારે મેયર, ડે. મેયર અને શાસક પક્ષના નેતાઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમીક્ષા માટે મંગલ પાંડે બ્રિજ ખાતે ગયા હતા. ત્યાં પણ જૂથવાદ ખુલ્લેઆમ જોવા મળ્યો. મેયર, ડે. મેયર, દંડક અને અન્ય નેતાઓ એક તરફ રહ્યા અને ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી એકલા પડી ગયા. વિવાદ વધુ તીવ્ર બન્યો, જ્યારે મેયર ત્યાં પહોંચ્યા ત્યારે ચેરમેન અને મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા સ્થળ પરથી નીકળી ગયા હતા. જોકે, ડૉ. શીતલ મિસ્ત્રીએ આ દાવાને નકારી દીધો અને કહ્યું કે, “મેયર આવ્યા પછી પણ હું 20 મિનિટ સુધી ત્યાં જ હાજર હતો.”
પૂર્વનિર્ધારિત ખેલમાં ચેરમેન ફસાયા !
આધારભૂત સૂત્રો મુજબ, સામાન્ય સભા યોજાયા પહેલાં જ નક્કી કરી દેવાયું હતું કે કયા કામોને મંજૂરી આપવી અને કયા કામોમાં વિરોધ નોંધાવવો. ખાસ તો, આ સમગ્ર પ્રક્રિયામાં ચેરમેનને દૂર રાખવામાં આવ્યા હતા.
વડોદરામાં સ્મશાન વ્યવસ્થા મામલે શાસક-વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા
વડોદરા શહેરમાં સ્મશાન વ્યવસ્થાને લઈને આજની સામાન્ય સભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ. સત્તા પક્ષના કોર્પોરેટર મનીષ પગારે શહેરમાં ચાલી રહેલા સ્મશાન વિકાસ અને લાકડાની ખર્ચલાયક વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે વિશ્વામિત્રી નદીમાં જંગલ કટિંગ દરમિયાન નીકળતા લાકડાની ફ્રીમાં વિતરણની સામે, સ્મશાન માટે મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોવાની ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “આપણે નદીમાંથી ફ્રીમાં લાકડા આપી રહ્યા છીએ, અને સ્મશાન માટે પૈસા ખર્ચી રહ્યા છીએ. જો પૂર્વ સાંસદ 15 કરોડ લાવી શકે અને હું સામાન્ય કોર્પોરેટર હોવા છતાં 50 લાખ લાવી શકું, તો પછી સ્મશાન પાછળ 10 કરોડનો ખર્ચ કેમ? અનેક સામાજિક સંસ્થાઓ સ્મશાન માટે ફંડ આપી શકે અને લાકડા પણ આપી શકે છે, તો આપણે આ ખર્ચનો વ્યય કેમ કરી રહ્યા છીએ?” તેમણે તંત્ર અને આરોગ્ય અધિકારીઓ પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે “હયાત સ્મશાનોની પરિસ્થિતિ ચકાસવા કોઈ જતું નથી. આરોગ્ય અમલદારો યોગ્ય જવાબ નથી આપતા. જો કોઈ ઈજારદાર રાખશો તો જે સેવાભાવી સંસ્થાઓ મફતમાં સેવા આપે છે, તેમની શું સ્થિતિ રહેશે?”
વોર્ડ 8, 9 અને 11માં સ્મશાનની પરિસ્થિતિ દયનીય
ભાજપના કોર્પોરેટર શ્રીરંગ આયરે પણ શહેરના વિવિધ વોર્ડમાં સ્મશાન વ્યવસ્થા દયનીય હોવાની વાત રજુ કરી. “સેવાસી અને ઉંડેરા જેવા વિસ્તારોમાં કોઈ મુલાકાત લેવા નથી આવતું. ત્યાં કોઈપણ યોગ્ય વ્યવસ્થા નથી. ચિતાની પણ સુવિધા નથી. સેવાસી સ્મશાનની ચારેય બાજુ કમ્પાઉન્ડ વોલ પણ નથી, જ્યારે ઉંડેરા સ્મશાનમાં તો દારૂના અડ્ડા ચાલે છે.”
સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ હકીકત સ્વીકારી કે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી સ્મશાન વ્યવસ્થાને લઈને અનેક ફરિયાદો મળી રહી હતી. “લોકોને અંતિમ વિધિ માટે લાંબા સમય સુધી રાહ જોવી ન પડે, એ માટે દરેક સ્મશાનમાં સ્ટાફ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રજાના ટેક્સના પૈસા છે, પણ તે પ્રજાના હિત માટે જ વપરાઈ રહ્યા છે.” શાસક પક્ષના નેતા મનોજ પટેલે પણ મનીષ પગારની વાત સાથે સહમતી દર્શાવી. “જે સ્મશાનો સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત છે, ત્યાં જરૂરિયાત મુજબ કર્મચારી આપવો જોઈએ. ખોટા ખર્ચા ટાળવા માટે અમુક સ્મશાનનું સંચાલન સંપૂર્ણપણે સેવાભાવી સંસ્થાઓને સોંપી દેવું જોઈએ.” આ વાતમાં સમર્થન કરતા નિલેશ રાઠોડ અને નીતિન દોંગાએ પણ કહ્યું”જેઓ સ્મશાન સંચાલન કરવા માંગે છે, તેમને જવાબદારી સોંપવામાં આવે.”
વિપક્ષે કોર્પોરેશનની નીતિ પર સવાલો ઉઠાવ્યા
વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ તીવ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું કે “સ્મશાન માટે ટેન્ડર પોલિસી શું નફા-નુકસાનની પેઢી છે? શહેરમાં અંતિમ વિધિ માટે કોઈ માન-સન્માન ન જળવાય? આરોગ્ય અમલદારો ક્યારેય સ્મશાનમાં ગયા છે?” તેમણે ટેન્ડર અને ખાનગી સંચાલન અંગે શંકા વ્યક્ત કરતાં કહ્યું કે “આંતિમવિધિનું પણ જો કોન્ટ્રાક્ટ આપી દેવાશે, તો પછી કોર્પોરેશનની પ્રજાલક્ષી નીતિ ક્યાં ગઇ? શહેરમાં સ્મશાનોમાં લોકો કલાકો સુધી રાહ જોતા હોય છે, તે વાત શાસક પક્ષ પણ સ્વીકારી રહ્યું છે.”
વ્યવસાય વેરા મુદ્દે કોંગ્રેસ-ભાજપની તકરાર
વડોદરામાં વેપારી અને નાના ઉદ્યોગકારોને લગતા વ્યવસાય વેરા મુદ્દે રાજકીય ઘમાસાણ સર્જાયું હતું. કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ પાલિકાના વ્યવસાય વેરા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, “એક બાજુ સરકાર પીએમ સ્વનિધિ યોજના હેઠળ નાના વેપારીઓને ધંધો શરૂ કરવા માટે લોન આપે છે, તો બીજી બાજુ મહાનગર પાલિકા દ્વારા ઉંચા દરે વ્યવસાય વેરો વસૂલવામાં આવે છે. જેનાથી નાના વેપારીઓ માટે જીવવું પણ મુશ્કેલ થઈ જાય છે.” પુષ્પા વાઘેલાએ જણાવ્યું કે, “માત્ર બુટ પોલિશ કરનાર પાસે પણ વર્ષમાં રૂ.12,000 વ્યવસાય વેરો વસૂલવામાં આવે છે. જો આટલો ભારે વેરો ભરવો પડે તો નાના વેપારીઓ કેવી રીતે ટકી શકશે?” કોંગ્રેસના આ આક્ષેપોનો જવાબ આપતા ડૉ. શીતલ મિસ્ત્રીએ કહ્યું કે, “આ વ્યવસાય વેરો વર્ષોથી ચાલી આવતી પદ્ધતિ મુજબ જ વસૂલવામાં આવે છે. ભાજપ સરકાર ગરીબોની સરકાર છે અને નાના વેપારીઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે.” શાસક પક્ષના નેતા મનોજ પટેલે વધુમાં કહ્યું કે, “આ મુદ્દા પર બજેટ બેઠકમાં અગાઉ જ ચર્ચા થઈ ચૂકી છે. છતાં કોંગ્રેસ એક જ મુદ્દાને ઘસી રહી છે, જેનાથી સભાનો સમય વેડફાઈ રહ્યો છે.”
મ્યુનિસિપલ કમિશનર સાથે ગેરવર્તન કરનાર ભાજપના કોર્પોરેટરને શો-કોઝ નોટિસ
મ્યુનિસિપલ કોર્પોેશનની સામાન્ય સભામાં મ્યુનિસિપલ કમિશનર સાથે ગેરવર્તન કરનાર ભાજપના કોર્પોરેટર આશિષ જોશી વિરુદ્ધ પક્ષે શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરી છે. ભાજપે તેમને શો-કોઝ નોટિસ આપીને ત્રણ દિવસમાં જવાબ આપવા સૂચના આપી છે. જો તેઓ સંતોષકારક જવાબ નહીં આપે તો વધુ કડક પગલાં ભરવાની શક્યતા છે. આ મામલે ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, “પક્ષ શિસ્તથી ચાલે છે. જો કોઈ કાર્યકર કે કોર્પોરેટર શિસ્તભંગ કરે છે, તો તેની સામે યોગ્ય કાર્યવાહી થશે.” તેઓએ સ્પષ્ટ કર્યું કે પક્ષ મ્યુનિસિપલ કમિશનર કે કોઈપણ પ્રશાસનિક અધિકારી સાથે અયોગ્ય વર્તન સહન કરશે નહીં. આશિષ જોશી આગામી ત્રણ દિવસમાં પાર્ટીને જવાબ આપશે. જો જવાબ સંતોષકારક નહીં હોય, તો ભાજપ તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે.
પેન ડાઉન : શિસ્ત જાળવવાનો પ્રયાસ કે રાજકીય દબાણની રમત?
વડોદરામાં મહાનાળાની સફાઈ મુદ્દે શહેરના અધિકારીઓ અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો છે. ભાજપના કોર્પોરેટર આશિષ જોષી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવ્યા બાદ બીજા જ દિવસે મશીનરી અને પંપ સાથે મહાનાળાની સફાઈ શરૂ થઈ હતી. પાલિકા અધિકારીઓએ તાજેતરમાં પેન ડાઉન હડતાળની ચીમકી ઉચ્ચારી હતી, જેની પાછળનો ખરો હેતુ હવે ચર્ચાનો વિષય બની ગયો છે. આ પ્રથમ વખત નથી જ્યારે ભાજપના કોર્પોરેટરોને અધિકારીઓ સાંભળતા નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હોય. અગાઉ બજેટ સભા અને અન્ય ચર્ચાઓ દરમિયાન પણ આવા સંજોગો સર્જાયા છે. સત્તાધારી પક્ષના કોર્પોરેટરોને અવગણવાના આક્ષેપો સાથે હવે પ્રશ્ન એ ઉદ્ભવ્યો છે કે, પાલિકા અધિકારીઓ દ્વારા પેન ડાઉન જેવી ધમકીઓ માત્ર શિસ્ત જાળવી રાખવા માટે છે કે પછી તેઓ આ દ્વારા રાજકીય દબાણ ઊભું કરી રહ્યા છે? જો પ્રશાસનના કર્મચારીઓ કાઉન્સિલરોની રજૂઆતોને અવગણે અને માત્ર વિરોધ બાદ જ કામ શરૂ કરે, તો તે નગરવાસીઓ માટે નુકસાનકારક પુરવાર થઈ શકે.
