સાધારણ સભા પહેલા મળેલી સંકલનમાં કોર્પોરેટરોમાં ધુંધવાતો અસંતોષ બહાર આવ્યો….
વદોદરા મહાનગર પાલિકાના ભાજપના કોર્પોરેટરોમાં ધુંધવતો અસંતોષ ગુરુવારે બપોરે મળેલી પક્ષની સંકલનની બેઠકમાં બહાર આવ્યો હતો. નગરસેવકોએ મેયર પિન્કી સોની અને સ્થાયી સમિતિ ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીની કાર્યશૈલી સામે પ્રહારો કર્યાં હતાં. મોટા ભાગના નગર સેવકોએ મેયર અને ચેરમેન ફોન નહિ ઉપાડતા હોવાની ફરિયાદ કરી હતી.
ગુરુવારે શહેર પ્રમુખ ડો. વિજય શાહની ગેરહાજરીમાં મહામંત્રી જશવંતસિંહ સોલંકી અને સત્યેન કુબલકરે સંકલનની બેઠક લીધી હતી. બેઠક શરૂ થઈ કે તરત જ ઉપસ્થિત નગર સેવકોએ મેયર અને ચેરમેન સામે ફરિયાદોનો મારો શરૂ કર્યો હતો. ખાસ કરીને સંગીતા પટેલ, મનીષ પગારે અને આશિષ જોશીએ એવી રજૂઆત કરી હતી કે મેયર અને ચેરમેન અમારા ફોન ઉપાડતાં નથી. પ્રજાના પ્રશ્નોને રજૂ કરવા માટે અમારે ક્યાં જવુ. આશિષ જોશીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે મેયર મારો વોટસઅપ મેસેજ જોઈ લે છે પણ જવાબ આપતા નથી. આવા પ્રકારનું વર્તન કરનાર આ પહેલા મેયર છે.
નગર સેવકોએ સાધારણ સભાના સમય પહેલા બોલાવાયેલી સંકલનની બેઠક અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો, કેમકે બેઠકનો મોટા ભાગનો સમય તો મેયર અને ચેરમેન સામેની ફરિયાદોમાં જ પૂરો થઈ ગયો હતો અને બીજા મુદ્દાની ચર્ચા થઈ શકી નહોતી. જાણી જોઈને આ સમય પસંદ કરવામાં આવ્યો હોવાનો પણ નગર સેવકોએ આક્ષેપ કર્યો હતો.