વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના લીધે સ્થાનિકો થયા પરેશાન
વડોદરા શહેરના મેયરનાં વિસ્તારમાં જ નાગરિકો મુકાયા મુશ્કેલીમાં
વરસાદી ગટરમાં પાણી જવાને બદલે ઉભરાતું પડ્યું નજરે
પ્રતિનિધિ વડોદરા તા. 11
વડોદરા મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલીને સૌ શહેરીજનોની સામે આવી ગઈ છે. વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોનીના વિસ્તારમાં જ કંઈક એવા દ્રશ્યો નજરે પડ્યા ,જેનાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. પ્રિ-મોનસૂન કામગીરી માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ શહેરીજનોને વરસાદી પાણીના નિકાલ ન થવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મેયર પિન્કીબેન સોની જે વોર્ડ નંબર 4 માંથી ચૂંટાઈને આવ્યા છે તે જ વિસ્તારમાં સયાજી ટાઉનશીપ રોડ પર વરસાદી ગટરોમાંથી વરસાદનું પાણી નિકાલ થવાને બદલે ઉભરાઈને બહાર આવતા સમગ્ર રોડ પર પાણી પાણી થઈ ગયું હતું. છેલ્લા ઘણા સમયથી સયાજી ટાઉનશીપ રોડ પર મારુતિ નગર સોસાયટીના રહીશો વરસાદી પાણી વચ્ચે જીવન ગુજારી રહ્યા છે. વરસાદી પાણી નો નિકાલ થાય તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વરસાદી કાંસ બનાવવામાં આવી છે પરંતુ આ વિસ્તારમાં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા.
સ્થાનિક રહીશોએ જણાવ્યા મુજબ મેયર પિન્કીબેન સોની અને સ્થાનિક કોર્પોરેટર અજીત ગાંધી જ પોતે આ જગ્યા પર મુલાકાત કરીને ગયા હોવા છતાય હજુ સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નથી. વધુમાં સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે વરસાદી ઘાસ સાફ સફાઈનું કામ થયું જ નથી જેના લીધે વરસાદનું પાણી કાંસમાંથી પસાર થતું નથી અને ગંદુ પાણી ચેમ્બરો માંથી રોડ પર આવી રહ્યું છે. જેથી સ્થાનિક રહીશોને તો મુશ્કેલી પડી જ રહી છે. સાથે સાથે અવરજવર કરતા સૌ કોઈ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે. ઘણીવાર રજૂઆત કરવા છતાંય હજુ સુધી નિરાકરણ આવ્યું નથી.