Vadodara

મેન્ટેનન્સ લીધા છતાં બિલ ન ભરતા તક્ષશીલા-2 અંધારામાં, રહીશોમાં રોષ

વડોદરા, તા.1:

શહેરના ગોત્રી-સેવાસી વિસ્તારમાં આવેલી તક્ષશીલા-2 સોસાયટીના બિલ્ડર દ્વારા મેન્ટેનન્સના રૂપિયા લીધા હોવા છતાં વીજ બિલ ન ભરતા સોસાયટીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. લાઇટ કપાતા લિફ્ટ બંધ થઈ ગઈ છે અને પાણી ટાંકીમાં ચઢાવી શકાય તેમ નથી, જેના કારણે વૃદ્ધો, સગર્ભાઓ અને બાળકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
માહિતી મુજબ તક્ષશીલા-2 સોસાયટી બિલ્ડર દિલીપભાઈ ગોરેટા અને સાંઇનાથ કન્સ્ટ્રક્શનના ભાગીદારો દ્વારા બાંધવામાં આવી હતી. મકાનધારકોએ અંદાજે રૂ. એક લાખ સુધી મેન્ટેનન્સ રકમ બિલ્ડરને ચુકવી દીધી હતી. તેમ છતાં છેલ્લા મહિનાનું વીજ બિલ ન ભરાતા Madhya Gujarat Vij Company Limited (એમજીવીસીએલ) દ્વારા સોસાયટીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.
વીજ પુરવઠો બંધ થતાં લિફ્ટ કાર્યરત નથી અને પાણીની મોટર પણ ચલાવી શકાતી નથી. રહીશો દ્વારા વારંવાર જાણ કરવા છતાં બિલ્ડરે બિલ ભરવાની ના પાડી હોવાનું કહેવાય છે.
રોષે ભરાયેલા સ્થાનિકોએ Gotri Police Station ખાતે અરજી આપી બિલ્ડર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Most Popular

To Top