વડોદરા શહેરના સામા લિંક રોડ પર પંચામૃત રેસીડેન્સી રહીશો અને બિલ્ડર વચ્ચે મેન્ટેનન્સને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ હવે પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
વડોદરા શહેરના હરણી સમા લિંક રોડ પર આવેલ પંચામૃત રેસીડેન્સી ના રહીશો છેલ્લા ઘણા સમયથી પંચામૃત રેસીડેન્સી ના બિલ્ડર જગદીશ સોની સાથે મેન્ટેનન્સને લઈને વાર્તાલાપ કરી રહ્યા છે. સાથે સાથે આખા બિલ્ડિંગના મેન્ટેનન્સ હેન્ડ ઓવરને લઈને ચારથી પાંચ વખત મિટિંગો થઈ છે પરંતુ ગતરોજ રેસિડેન્સીના બિલ્ડર જગદીશભાઈએ ઉદ્ધતાઈ ભર્યા જવાબ આપતા રહીશો હરણી પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા.
જ્યારે રહીશોએ મકાન બુક કરાવ્યું ત્યારે તે સમયે રેસીડેન્સીના મેન્ટેનન્સ રૂપે મકાન દીઠ 50 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા. તેની કુલ રકમ 1.25 કરોડ થાય છે ત્યારે હવે મીટીંગ દરમિયાન હેન્ડ ઓવર ની વાત આવી ત્યારે સોસાયટીના રહીશોના આક્ષેપ છે કે જગદીશ સોનીએ રૂપિયા આપવાની ના પાડી દીધી છે અને ઉદ્ધતાઇભર્યો જવાબ આપ્યો છે. જેથી બિલ્ડર સામે હરણી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે અને જો આજના દિવસમાં સમાધાન નહીં થાય તો બિલ્ડર જગદીશ સોની સામે ફરિયાદ પણ નોંધાવાશે.
સોસાયટીના રહીશોનું કહેવું છે બિલ્ડર જગદીશ સોની તથા મનોજભાઈ જાદવ બે પાર્ટનર છે. એ તમામ હિસાબ હેન્ડ ઓવર આપવાનું કહે છે, પરંતુ એ સમસ્યાનો નિકાલ નથી લાવ્યા. જેમકે પાણી, સિક્યુરિટી, જે સાફ સફાઈ કરનાર વ્યક્તિ છે, સોસાયટીમાં ઉખડી ગયેલા બ્લોક એ સમસ્યા છે. અમારા સોસાયટીના મકાન દીઠ તેઓએ મેન્ટેનન્સના ₹50,000 ઉઘરાવેલા છે, પરંતુ એ ઓફિસ ખાલી કરીને જતા રહ્યા છે. સોસાયટીનું ક્લબ હાઉસ તેમણે છ વર્ષ સુધી વાપર્યું અને તમામ ઘર વેચાઈ ગયા એટલે તેઓ આ ઓફિસ ખાલી કરી જતા રહ્યા છે. અમે એમનો ફોન કરી સંપર્ક કરવાનો કોશિશ કરી ત્યારે બિલ્ડરે એવો જવાબ આપેલો કે અમે બનાવીને છોડી દીધું. હવે તમે જાણો. અમે હવે કશું કરી શકીએ એમ નથી. જે કરવું હોય એ કરો. હવે અમારી જવાબદારી પૂરી. જેને લઈને અમે હાલ હરણી પોલીસ સ્ટેશને કાચી ફરિયાદ આપી છે. આજના દિવસમાં સમાધાન નહીં થાય તો અમે એફઆર કરાવીશું એ વાત નક્કી છે.