Vadodara

મેડિકલ સ્ટોરની ગંભીર બેદરકારીના કારણે યુવતીનો ગર્ભપાત થયો હોવાનો પરિવારનો આક્ષેપ

ડૉક્ટરે લખેલી દવાને બદલે મેડકાર્ટ મેડિકલ સ્ટોરે બીજી જ દવા આપી દીધી હોવાનો આરોપ, જે.પી. રોડ પોલીસ મથકે ફરિયાદ

(પ્રતિનિધિ), વડોદરા. તા.18

શહેરના તાંદલજા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મેડિકલ સ્ટોર સંચાલકની કથિત બેદરકારીને કારણે એક ગર્ભવતી યુવતીએ પોતાનું બાળક ગુમાવવાનો વારો આવ્યો છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબની દવા આપવાને બદલે મેડિકલ સ્ટોર દ્વારા બીજી જ દવા આપી દેવામાં આવતા યુવતીનો ગર્ભપાત થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે પરિવારે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. મળતી માહિતી મુજબ, તાંદલજા વિસ્તારમાં રહેતી એક ગર્ભવતી યુવતીને શારીરિક તકલીફ જણાતા તેના પરિવારજનોએ તેને સારવાર અર્થે વાત્સલ્ય નર્સિંગ હોમ લઈ ગયા હતા. ત્યાં ડૉક્ટરે તપાસ બાદ જરૂરી દવાઓ લખી આપી હતી. પરિવારનો આક્ષેપ છે કે, તેઓ આ પ્રિસ્ક્રિપ્શન લઈને વાસણા રોડ પર આવેલા ‘મેડકાર્ટ મેડિકલ સ્ટોર’ પર ગયા હતા. ત્યાં હાજર કર્મચારીએ ડૉક્ટરે લખેલી દવાને બદલે બીજી જ કોઈ દવા આપી દીધી હતી. જ્યારે પરિવારજનોએ દવાઓ તપાસી ત્યારે માલુમ પડ્યું હતું કે મેડિકલ સ્ટોર દ્વારા પ્રિસ્ક્રિપ્શન મુજબની દવા આપવામાં આવી નહોતી. આ બાબતે જ્યારે તેઓ મેડકાર્ટ મેડિકલ સ્ટોર પર રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે સંચાલકો દ્વારા સંતોષકારક જવાબ આપવામાં ન આવ્યો હોવાનું પરિવારે જણાવ્યું છે. અંતે, ન્યાયની આશા સાથે પીડિત પરિવારે સમગ્ર મામલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે મેડિકલ સ્ટોરની દવાની ચિઠ્ઠી, આપવામાં આવેલી દવાના નમૂના અને મેડિકલ રિપોર્ટ્સના આધારે તપાસ હાથ ધરી છે.

  • અમારા માટે આ મોટો આઘાત છે. ડૉક્ટરની ચિઠ્ઠી હોવા છતાં મેડિકલ સ્ટોરે ખોટી દવા આપી દીધી, જેના કારણે અમારું બાળક દુનિયામાં આવે તે પહેલા જ જતું રહ્યું. જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી બીજા કોઈની સાથે આવું ન થાય. – પીડિત પરિવાર
  • જ્યારે આ મામલે વાત્સલ્ય નર્સિંગ હોમ ના ડૉ નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે અહીંયા રોજના 50થી વધુ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આ મામલે મારી પાસે કોઈ માહિતી આવી નથી. હું દર્દીની ફાઇલ જોયા વગર કશું કહીં ના શકું કે મારા તરફથી કઈ દવા લખવામાં આવી છે અને મેડિકલ સ્ટોર માંથી કઈ દવા આપવામાં આવી છે. – ડૉ જીગર મેહતા

આ ઘટનાએ શહેરમાં મેડિકલ સ્ટોર્સ પર ચાલતી બેદરકારી અને ફાર્માસિસ્ટની હાજરી વગર વેચાતી દવાઓ સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

Most Popular

To Top