Vadodara

મેટ્રિમોનિયલ સાઇટ પરથી લગ્ન કર્યા બાદ ખબર પડી કે પત્નીના બે અફેર છે…

લગ્નના એક મહિનામાં પત્નીના બે અફેર ખુલતા પતિ હેબતાઈ ગયો; જાનથી મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવવાની ધમકીનો આક્ષેપ
વડોદરા, તા. 19:
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં મેટ્રિમોનિયલ સાઇટ પરથી થયેલા લગ્ન એક યુવક માટે ભારે પડ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના માત્ર એક મહિનામાં જ પત્નીના અન્ય બે યુવકો સાથે આડા સંબંધો હોવાનું પતિને જાણવા મળતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ફરિયાદ મુજબ, રાવપુરા વિસ્તારમાં રહેતા યુવકનો સંપર્ક મેટ્રિમોનિયલ સાઇટ મારફતે મૂળ દિલ્હીની અને હાલ ઉત્તરપ્રદેશમાં રહેતી 20 વર્ષીય યુવતી સાથે થયો હતો. થોડા સમયની વાતચીત બાદ બંનેએ 8 ઑક્ટોબર, 2025ના રોજ હિંદુ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ 9 ઑક્ટોબરે માંજલપુર રજિસ્ટ્રાર કચેરીમાં લગ્ન નોંધણી કરાવવામાં આવી હતી.
લગ્ન બાદ પત્ની એક દિવસ રહી 10 ઑક્ટોબરે અલીગઢ પરત ગઈ હતી અને બાદમાં ફરી વડોદરા આવી આશરે એક મહિનો પતિ સાથે રહી હતી. આ દરમિયાન યુવકને જાણ થઈ કે તેની પત્નીનું એક નહીં પરંતુ બે યુવકો સાથે અફેર ચાલી રહ્યું છે. આ બાબતે ઝઘડા થતાં પત્નીએ પતિને “આ લગ્નની મને કોઈ ચિંતા નથી, તારાથી થાય એ કરી લેજે” તેમ કહી જાનથી મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો આરોપ છે. સાથે જ તેણે “મારી પોલીસમાં ઊંચી ઓળખાણ છે, મારું કોઈ કંઈ બગાડી નહીં શકે” તેમ કહ્યું હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે.
યુવકનો આરોપ છે કે પત્ની તેના રોકડા રૂ.1.20 લાખ, ચાંદીના છડા અને વીટી પણ લઈને પિયર ચાલી ગઈ હતી. ઉપરાંત, નોકરી દરમિયાન પણ તે પ્રેમીઓ સાથે વાત કરતી હતી અને વારંવાર ગાળો આપતી હતી. યુવકની માતા બીમાર હોવા છતાં પત્નીએ તેમની કોઈ દેખભાળ ન રાખી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.
આ તમામ બાબતે યુવકે રાવપુરા પોલીસ સ્ટેશનમાં પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.

Most Popular

To Top