કપડવંજના વીમાધારક વીણાબેન શાહને મળ્યો ન્યાય, ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ગ્રાહક તકરારી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
કપડવંજ: કપડવંજના વીમાધારક નાગરિકોના હિત માટે મહત્ત્વપૂર્ણ મુકામરૂપ આ નિર્ણયમાં, ખેડા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન, નડિયાદ દ્વારા ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસ તા. ૦૬/૦૬/૨૦૨૪ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો,
ફરીયાદી વીણાબેન દીલીપકુમાર શાહ, રહે. કપડવંજ ને ICICI લાઇફ ઇન્સોરન્સ કંપની પાસેથી મેચ્યોર તારીખે વીમાની રકમ નહીં મળી હોવાને લીધે ખેડા જિલ્લા ગ્રાહક તકરાર કમિશનની કોર્ટ, નડિયાદમાં ન્યાય માટે ગુહાર લગાવી હતી. વીણાબેન દિલીપભાઈ શાહે તા.૧૨/૦૩/૨૦૦૯ ના રોજ “લાઇફ સુપર પેન્શન પોલિસી” નં. ૧૧૪૯૪૯૪૮ હેઠળ વીમો લીધો હતો જેમાં તેમણે ૩ વર્ષ સુધી રૂ. ૬,૦૦૦ પ્રમાણે અર્ધવાર્ષિક પ્રીમિયમ ભર્યું હતું અને આ પોલિસી વર્ષ ૨૦૧૯ માં મેચ્યોર થઈ હતી.
પરંતુ વીણાબેન શાહ દ્વારા વીમાની મેચ્યોર રકમ મેળવવા અનેક પ્રયત્નો કરવા હોવા છતાં ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ વીમા કંપની તરફથી વળતર ન મળતાં ફરીયાદી દ્વારા કપડવંજ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના ફિલ્ડ ઓફિસર અનંત પટેલ (સોનીપુરાવાળા) ના માર્ગદર્શન હેઠળ, નડીયાદ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ વીમા કંપની દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે તા.૨૮/૦૩/૨૦૧૭ ના રોજ HDFC બેંકના એકાઉન્ટ નં. ૦૦૬૧૩૦૦૦૬૩૬૮૨માં રકમ રૂ.૫૩,૦૨૮ ટ્રાન્સફર કરી જમા આપવામાં આવી છે. પરંતુ ફરીયાદી દ્વારા જણાવાયું કે HDFC બેંકમાં અમે ખાતું ધરાવતા નથી અને વીમા કંપની દ્વારા અન્ય વ્યક્તિના ખાતામાં વીમાની રકમ જમા કરાવેલી હોય વીણાબેન દિલીપભાઈ શાહ ફરીયાદી દ્વારા તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. જેના અનુસંધાનમાં અલગ અલગ તારીખે મુદતોમાં કેસ ચાલી જતા ગ્રાહક તકરારી કોર્ટ, નડિયાદ lમાં સાબિત થયું હતું કે વીણાબેન દિલીપભાઈ શાહને મેચ્યોર સમયે તેમના વીમાની રકમ મળી નથી. જેથી ગ્રાહક તકરારી કોર્ટ, નડિયાદ દ્વારા વીમા કંપનીને હુકમ કરવામાં આવ્યો છે કે ફરીયાદીને વર્ષ ૨૦૧૯ થી રૂ.૫૩,૦૨૮/- ની રકમ ૭% વાર્ષિક વ્યાજ સહિત તથા રૂ.૧૦,૦૦૦/- નો કોર્ટ ખર્ચ સાથે રૂ.૯૮,૦૦૦/- જેટલી રકમ ચુકવવા હુકમ કર્યો છે અને જો ફરીયાદી ને ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની વ્યાજ અને ખર્ચ સાથે રકમ ત્રીસ દિવસમાં ના ચુકવે તો વધારાના ૨% વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યો છે.
આ ચુકાદો વીમા ધરાવતા નાગરિકોને પોતાનો હક મેળવવા માટે કાયદાકીય માર્ગ અપનાવવો જોઈએ એ દિશામાં પ્રેરણા રૂપ સાબિત થયો છે.