મૃતક દાદીની ત્રીજા દિવસની વિધિને લઈ બે ભાઇઓ વચ્ચે બોલાચાલી થતાં પિતા અને કાકાને સમજાવવા ગયેલા પરિવારના યુવકને માર માર્યો
(પ્રતિનિધિ) વડોદરા તા. 25
શહેરના હરણી રોડ ખાતે રહેતા પરિવારમાં દાદીના મૃત્યુ પછી ત્રીજા દિવસની વિધિ માટે રામનાથ સ્મશાન ખાતે એકત્રિત થયેલા કુટુંબના સભ્યો વચ્ચે બોલાચાલી થતાં સમજાવવા ગયેલા યુવકને કૌટુંબિક સભ્યો દ્વારા ગડદાપાટુનો માર મારતાં વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના હરણીરોડ ખાતે આવેલા સવાદ ક્વાર્ટર ખાતે યશ રોહિતભાઇ કહાર પોતાના પરિવાર સાથે રહે છે અને મંગળ બજારમાં છૂટક મજૂરી કામ કરે છે. ગત તા. 22માર્ચના રોજ યશના દાદીનું કુદરતી અવસાન થયું હતું જેઓની અંતિમવિધિ રામનાથ સ્મશાન ગૃહમાં કર્યા બાદ સોમવારે સવારે મૃતક દાદીની સમાજના રિવાજ મુજબ ત્રીજા દિવસની વિધિ માટે કુટુંબના સભ્યો એકત્રિત થયા હતા જેમાં હરિશ ઉર્ફે રાજાને પણ યશના પિતા રોહિતભાઇ કહારે બોલાવ્યા હતા તે દરમિયાન રોહિતભાઇ તથા તેમના ભાઇ દિનેશભાઇ કહાર વચ્ચે આ વિધિને લઈને બોલાચાલી થઇ હતી અને બંને વચ્ચે અપશબ્દો શરૂ થતાં યશ બંનેને સમજાવવા ગયો હતો ત્યારે કાકાનો દિકરો રોહિત કહારે યશને વાળ પકડી લાફો માર્યો હતો જેથી બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમાં રિતિક નું ઉપરાણું લઈને કાકા દિનેશભાઇ કહાર તથા નરેશભાઇ કહારે યશને ગડદાપાટુનો માર માર્યો હતો આ દરમિયાન દૂરના કુટુંબી ગણેશભાઇ કહારે યશને બચાવ્યો હતો.આ સમગ્ર મામલે યશ કહારે રિતિક કહાર, દિનેશભાઇ કહાર તથા નરેશભાઇ કહાર વિરુદ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
