વડોદરામાં સગા સંબંધીઓએ જ પરિવારનો હક્ક ડુબાડ્યો!
પિતાના મૃત્યુ બાદ વારસાઈ કરાવવા જતાં ભાંડો ફૂટ્યો: વડસરની કરોડોની સહિયારી જમીન 2008માં જ વેચાઈ ગઈ હોવાનું બહાર આવ્યું
વડોદરા: શહેરના વડસર ગામમાં આવેલી કરોડો રૂપિયાની કિંમત ધરાવતી સહિયારી જમીનના દસ્તાવેજમાં મૃતક વ્યક્તિના નામે ખોટી ઓળખ આપી અને અન્ય અજાણ્યા વ્યક્તિઓના ફોટા ચોંટાડી છેતરપિંડી તથા વિશ્વાસઘાત આચર્યાની ઘટના સામે આવી છે. આ અંગે વડસરના એક રહેવાસીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના વડસર ગામના ભાલિયા વાસમાં રહેતા અજયભાઈ નાથુભાઈ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે વડસર ગામમાં તેમના પરદાદા અતિયાભાઈ ભાલીયાના ત્રણ સંતાનોની સહિયારી જમીન આવેલી છે.
ગયા વર્ષે તારીખ 08-12-2024ના રોજ અજયભાઈના પિતા નાથુભાઈનું અવસાન થયું હતું. તેમના મૃત્યુ બાદ અજયભાઈએ પોતાનું, તેમના ભાઈઓ સંજય, અક્ષય તથા માતા પ્રેમીલાબેનનું નામ સહિયારી જમીન તેમજ તલસટ ગામની જગ્યામાં વારસદાર તરીકે દાખલ કરવા માટે માંજલપુર મામલતદાર ઓફિસમાં અરજી આપી હતી. તલસટની જમીનમાં તો તેમના નામ દાખલ થઈ ગયા હતા, પરંતુ વડસરની જમીનમાં નામ દાખલ ન થતાં તેમણે તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન અજયભાઈને જાણવા મળ્યું કે તેમની સહિયારી જમીનમાં તારીખ 22-01-2008ના રોજ દસ્તાવેજની નોંધણી થઈ ચૂકી છે. આ જમીન ઈબ્રાહીમ રહેમાન ભાઈ સોદાગર (રહે. નાગરવાડા) અને મુઝફ્ફરહુસેન અબ્બાસ અલી સૈયદ (રહે. બહાર કોલોની, આજવા રોડ)ને ₹27.50 લાખમાં વેચાણ આપવામાં આવી હતી.
આ વેચાણ દસ્તાવેજમાં વેચાણ આપનાર તરીકે (1) મૈયત લાલાભાઇ ભાલીયા, (2) ભીખાભાઈ રામજીભાઈ ભાલીયા સહિત કુલ 26 લોકોના ફોટા તેમજ સહીઓ હતી.
ફરિયાદી અજયભાઈએ દસ્તાવેજની ઝીણવટભરી ચકાસણી કરતાં મોટો ભાંડો ફૂટ્યો હતો.
તેમના પિતા નાથુભાઈ રામજીભાઈ ભાલીયાના નામના બદલે દસ્તાવેજમાં નાથાભાઈ લખમણભાઇ ભાલીયા લખવામાં આવ્યું હતું, એટલું જ નહીં, નાથાભાઈ લખમણભાઈ ભાલીયાના ફોટાની જગ્યાએ કોઈ અન્ય અજાણ્યા વ્યક્તિનો ફોટો ચોંટાડી સહીઓ કરવામાં આવી હતી. તો તેમની ફોઈ સોનાબેન રામજીભાઈ ભાલીયાના બદલે સોનાબેન લક્ષ્મણભાઈ ભાલીયા લખ્યું હતું. એના સિવાય
અજયભાઈના પિતરાઈ બહેન ધનીબેન ચતુરભાઈ ભાલીયાની જગ્યાએ ગીતાબેન ઉર્ફે ચીકુ મારવાડીએ પોતે ધનીબેન હોવાની ખોટી ઓળખ આપી હતી. એ જ રીતે, રામીબેન ભાલીયાની જગ્યાએ સીતાબેન દિનેશભાઈ ભાલીયાએ પોતાની ઓળખાણ રામીબેન તરીકે આપી તેમનો ફોટો ચોંટાડ્યો હતો.
આ તમામ લોકોએ એકબીજા સાથે ભેગા મળીને કાવતરું રચી, ખોટા દસ્તાવેજો બનાવી, ફરિયાદીના પરિવારનો હક્ક ડુબાડી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ 5 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ…
1.મૈયત લાલાભાઇ અતિયાભાઈ ભાલીયા (રહે-ભાલીયા વાસ, વડસર)
2.ભીખાભાઈ રામજીભાઈ ભાલીયા (રહે-લવકુશ સોસાયટી, વડસર)
3.નાથાભાઈ રામજીભાઈ ભાલીયાના નામે ખોટી ઓળખ આપનાર અજાણ્યો વ્યક્તિ
4.સીતાબેન દિનેશભાઈ ભાલીયા (રહે-કલાલી)
5.ગીતાબેન વિનોદભાઈ મારવાડી (રહે-પેટલાદ)
પોલીસે IPC કલમ હેઠળ ગુનો નોંધી, આ જમીન કૌભાંડમાં સંડોવાયેલા અન્ય તમામ આરોપીઓ સુધી પહોંચવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.