Vadodara

મુજમહુડા વિસ્તારમાં રોડ પર નદી વહેતી થઈ, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો

( પ્રતિનિધિ )વડોદરા,તા.9

વડોદરા શહેરમાં પાણીની લાઈનોમાં ભંગાણ પડવાનો યથાવત રહેવા પામ્યો છે. બીજી તરફ પાલિકાની પણ ઘોર બેદરકારી સામે આવી રહી છે. પાણીની લાઈન લીકેજ થયા બાદ વહેલી તકે તેની સમાર કામગીરી કરવામાં નહીં આવતા પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહી જઈ રહ્યું છે.

શહેરના મુજ મહુડા વિસ્તારમાં ટાટાના શોરૂમ પાસે પાણીની લાઈનમાં ભંગાણ પડતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે વિસ્તારના રાકેશભાઈએ આવી સમસ્યાઓ માટે શહેરનું રાજકારણ જ જવાબદાર હોવાના આક્ષેપ સાથે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી અહીંયા પાણીની લાઈન લીકેજ થઈ છે, પણ કોર્પોરેશનના અધિકારીઓનું અહીંયા ધ્યાન પડતું જ નથી. અહીં નજીકમાં જ કેટલાક મહાનુભાવો રહે છે. એમનું પણ ધ્યાન જતું નથી. આજે પાણી ગટરમાં વહી જઈ રહ્યું છે. એના કરતાં લોકોના ઘરોમાં જાય એ યોગ્ય છે. આ પીવાનું ચોખ્ખુ પાણી સહિત લોકોના વેરાના નાણાનો વેડફાટ થઈ રહ્યો છે. આની માટે વડોદરાની નેતાગીરી જ જવાબદાર છે. કારણ કે અધિકારીઓને કઈ કહી શકાતું નથી અને અધિકારીઓ પણ એમની રીતે જ ચાલતા હોય છે.

વડોદરાની એટલી ખરાબ હાલત થઈ ગઈ છે. આ વિસ્તારમાં જ્યાં અને ત્યાં ખાડા પણ ખોદી નાખવામાં આવ્યા છે. એક રોડ બાકી નથી જ્યાં ખાડો નહીં ખોદવામાં આવ્યો હોય, ગટર લાઈટ સહિતની કામગીરી માટે ખાડા ખોદવામાં આવે છે, પણ વહેલી તકે તેને પુરવામાં આવતા નથી. આ પાણીની લાઈન એક અઠવાડિયાથી લીકેજ થઈ છે. હવે કાલે રિપેર કરવામાં આવશે, તો અઠવાડિયા સુધી હવે ખાડો પણ નહીં પુરાય. જેના કારણે લોકોને આવા જવામાં પણ ખૂબ જ તકલીફ વેઠવી પડશે.

Most Popular

To Top