અટલાદરા વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગનું કારણ અકબંધ, હાલ કચરાને ઠંડુ કરવાની પ્રક્રિયા ચાલુ
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ મુજમહુડા ડમ્પિંગ સાઇટ પર આજે અચાનક આગ ભભૂકી ઉઠતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બાદ તરત જ મકરપુરા જીઆઈડીસી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે ગંભીરતા દાખવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પાણીના મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી. આગના કારણે ડમ્પિંગ સાઇટમાં ભથ્થું ઊઠતું જોઈ આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, સમયસૂચક પગલાંના ભાગરૂપે ફાયર વિભાગે ઝડપથી કામગીરી હાથ ધરીને મોટી દુર્ઘટના ટળી છે. હાલની ઘડીયે કચરાને ઠંડુ કરવાને લઈ કુલીંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. અહેવાલ મળતી વખતે આગ સંપૂર્ણ કાબૂમાં હતી. ઉલ્લેખનીય છે કે, ઉનાળાના આરંભે જ શહેરમાં એક પછી એક આગના બનાવ સામે આવી રહ્યા છે.