10 થી વધુ એજન્સીઓની ટીમો બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ
કાદવમાં ફસાયેલા વાહનો અને ગુમ થયેલા ચાર વ્યક્તિઓની શોધખોળ ચાલુ : અન્ય 3 મૃતદેહ મળ્યા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.10
પાદરા તાલુકામાં આવેલો ગંભીરા બ્રિજ 9 જુલાઈના વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં બુધવારે 13 વ્યક્તિના જ્યારે આજે NDRFના સર્ચ ઓપરેશન, સઘન શોધખોળ દરમિયાન કુલ 3 મૃતદેહ મળી આવ્યા હતા. 2 પુલ પરથી અને એક ડબકા ગામમાંથી. જેમાં બે મૃતકોની ઓળખ થઈ ગઈ છે અને એક અજાણ્યો છે. મૃતદેહોને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા છે.
પાદરા તાલુકાના મુજપુરથી ગંભીરા બ્રિજ ખાતે બનેલી દુર્ઘટના સંદર્ભે ગત મોડી રાતથી SDRF, NDRF, અને ફાયર બ્રિગેડ સહિત 10 થી વધુ એજન્સીઓની ટીમો બચાવ અને રાહત કાર્યમાં જોતરાયેલી છે. આજે સવાર સુધીમાં કુલ 3 મૃતદેહ મળી આવ્યા છે, જેમાંથી 2 મૃતદેહની ઓળખ થઈ ગઈ છે અને એક મૃતદેહને ઓળખવાની પ્રક્રિયા ચાલુ છે. હજુ પણ ગુમ થયેલા લોકોની યાદીમાં ચાર વ્યક્તિઓ હોવાનું અનુમાન છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, આ દુર્ઘટનામાં ગુમ થયેલા વાહનોમાં એક નાનું વાહન અલ્ટો કે વેગનઆર અને એક આઇસર ટ્રકનો સમાવેશ થાય છે. આ વાહનો કાદવમાં ઊંડે ખૂંપી ગયા હોવાથી તેમને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. કાદવનું સ્તર લગભગ 3 મીટર જેટલું ઊંડું છે, જેના કારણે મશીનરીનું કાર્ય મુશ્કેલ બન્યું છે. તંત્રે અપીલ કરી હતી કે, “જે કોઈને પણ ગુમ થયેલા વ્યક્તિઓ અથવા વાહનો અંગે કોઈ પણ માહિતી હોય, તેઓ તાત્કાલિક અમ કંટ્રોલ રૂમને જાણ કરે, જેથી બચાવ કામગીરી વધુ ઝડપથી પૂર્ણ કરી શકાય. અમારી ટીમો સતત પ્રયત્નશીલ છે અને વરસાદની સ્થિતિ અનુકૂળ રહેશે તો આગામી 4 થી 5 કલાકમાં મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ત્યારબાદ, વાહનો અને અન્ય સંપત્તિને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, બચાવ કામગીરીને વેગ આપવા માટે ખાસ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે જેથી કરીને મશીનરી અને બચાવ દળો કાદવના ઊંડા સ્તરો સુધી પહોંચી શકે. આ કામગીરીમાં સ્થાનિક સમુદાયનો પણ સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.