બમણો સફાઈ વેરો મુદ્દે વાંધાઓ ઊઠ્યા, સોમવારે અંતિમ નિર્ણય સંભાવિત
આવતીકાલે ધારાસભ્યો અને સાંસદની સંકલન બેઠક મળશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ થયા બાદ સ્થાયી સમિતિની બેઠકોના ધમધમાટ શરૂ થયા છે. આજે સાંજે ભાજપ સંકલનની બેઠક મળી હતી, પરંતુ મુખ્યમંત્રી વડોદરાના પ્રવાસે હોવાથી આ બેઠક અડધા કલાકમાં જ સમાપ્ત કરવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે ડ્રાફ્ટ બજેટમાં સફાઈ વેરાના વધારા અંગે સભ્યોમાં સમાન પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
બજેટમાં સફાઈ વેરો બમણો કરી દેવામાં આવ્યો છે, જેને લઈને સભ્યો દ્વારા વાંધા ઉઠાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કેટલાક સભ્યોએ તો હયાત વેરામાંથી પણ 25% રાહત આપવાની માંગ કરી છે. આગામી સોમવારે, આ વેરામાં કરાયેલા વધારા પર અંતિમ નિર્ણય લેવાશે અને શક્યતા છે કે આ વધારો પરત લેવામાં આવે.
આવતીકાલે ધારાસભ્યો અને સાંસદો સાથે સંકલન બેઠક યોજાનાર છે, જેમાં શહેરના વિકાસ કામો, ડ્રાફ્ટ બજેટ અને પ્રાથમિકતા મુજબના પ્રશ્નો પર ચર્ચા થશે. સ્થાનિક રાજકારણ અને બજેટ મુદ્દાઓના કારણે આગામી દિવસોમાં શહેરના ઢાંચાગત વિકાસને લઈને મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે.
સમા ફ્લાઈઓવર બ્રિજનો મુદ્દો ફરી ચર્ચાનો કેન્દ્ર
શહેરના સમા વિસ્તારમાં નવો ફ્લાઈઓવર બ્રિજ બનાવવાના આયોજનને અગાઉ સ્થાયી સમિતિએ મુલતવી રાખ્યું હતું. આ બ્રિજની જૂની ડિઝાઇન પ્રમાણે 54 કરોડના ખર્ચે નિર્માણ થવાનું હતું, પરંતુ નવી યોજનામાં તેને લિંક કરવાથી ખર્ચ 120 કરોડ સુધી પહોંચી ગયો હતો, જેનો વિરોધ થયો બાદ કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. ધારાસભ્યો અને સ્થાયી સમિતિના કેટલાક સભ્યોએ આ ખર્ચ વધારાને ન્યાયસંગત ન ગણતા આ મુદ્દે સખત વાંધો નોંધાવ્યો હતો.
હમણાં જ સ્થાયી સમિતિની બેઠકમાં, સમા કેનાલ ક્રોસ કરીને મેકડોનાલ્ડ તરફ બ્રિજ લંબાવવા માટે કેટલાક સભ્યોએ ફરી રજૂઆત કરી છે. અગાઉ પણ આ વિવાદિત બ્રિજની સ્થળ મુલાકાત લઈ, કેટલાક સભ્યોએ તેને લંબાવવાની ભલામણ કરી હતી.
