મુખ્યમંત્રીએ અર્બન ઇનોવેશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નો શુભારંભ કરાવ્યો
કાર્યક્રમમાં શહેરના ધારાસભ્યો, કોર્પોરેશનના પદાધિકારીઓ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં અર્બન ઇનોવેશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નો શુભારંભ કર્યો. વડોદરા મહાનગરપાલિકા અને ઈલેટ્સ ટેક્નોલોજી એન્ડ ઇ સરકાર મેગેઝીનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમનું મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આયોજન થયું. કાર્યક્રમમાં શહેરના ધારાસભ્યો, કોર્પોરેશનના પદાધિકારીઓ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પહેલાના સમયમાં કોર્પોરેશને એક 10 હજારનો હોલ બનાવવો હોય તો મહિના-બે મહિના લાગતા હવે ઝડપી સમયમાં પૂરા થઇ રહ્યા છે. મુખ્યમંત્રીનું ઉદ્દેશ્ય હતો કે હવે બધી જરૂરી સુવિધાઓ સરળ અને ઝડપી રીતે પૂરતી થવી જોઈએ. તેમણે ખાસ કરીને શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ માટે મહત્વપૂર્ણ મુદ્દો ઊઠાવ્યો. વધુમાં તેમણે પીપીપી મોડલ પર પણ ભાર આપવા કહ્યું હતું.
મુખ્યમંત્રીએ પુછ્યું, “વડોદરા સ્વચ્છ રહે છે?” ત્યારે ત્યાં હાજર લોકએ સંતોષકારક જવાબ ન આપતા તેમણે કહ્યું કે, દિલથી હા નથી નીકળતું. એટલે હજુ પણ સ્વચ્છતા માટે વધુ મહેનત કરવાની જરૂર છે. તેમણે જણાવેલું કે પર્યાવરણનું સંરક્ષણ જરૂરી છે. કોરોનાની પરિસ્થિતિમાં ઓક્સિજનની કિંમત સમજાઇ હતી. મોટા લોકોની પાસે પૈસા હોવા છતાં પણ ઓક્સિજન મળવાનું મુશ્કેલ થયું હતું. આવા સંજોગોમાં આપણે કુદરતનું રક્ષણ જ કરવું જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્થતંત્રની દિશામાં પણ વાત કરી. તેમણે જણાવ્યું કે, “પહેલા આપણે પાકિસ્તાન સાથે બાથ ભીડતા હતા, હવે અમેરિકાથી પણ આગળ વધતા જઈ રહ્યા છીએ.” સાથે, સ્વદેશી વસ્તુઓ અપનાવી આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવા પણ તેમણે લોકોને જણાવ્યું. તેમણે એમ પણ જણાવ્યું કે ભારતની આર્થિક તાકાત 140 કરોડ લોકોની સાથે મજબૂત થઇ રહી છે. GSTમાં રિફોર્મ કરવાથી અર્થવ્યવસ્થાની વૃદ્ધિ માટે સહયોગ મળ્યો છે.
કામમાં ખામી ન રહે, વ્યવસ્થિત રીતે કામ પૂરું થાય તે ધ્યાન રાખો
મુખ્યમંત્રીએ મીડિયા કર્મીઓને પણ વખાણ કર્યા. તેમણે કહ્યું કે સમાચાર નકારાત્મક કહીને ટાળવાના નથી, પણ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કામ કરવું જોઈએ. વધુમાં તેમને ઉમેર્યું કે, વાવાઝોડામાં પણ મીડિયા કર્મી પહોંચતા હોય તો આપણે કેમ ન પહોંચી શકીએ. તેમણે બદલાતા યુગમાં કામમાં ખામી ન રહે તે માટે પણ વાત કરી. તેમણે આ બાબતે કહ્યું, એક બે કામ ઓછા થશે તો ચાલશે પણ કામ વ્યવસ્થિત સારા થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આગામી સમય સુધી થોડા બાકી રહેલા કામો પણ પૂરાં થવા જોઈએ.
વિશ્વામિત્રીનું બાકી કામ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થશે
પોતાના સંબોધનની શરૂઆતમાં જ મુખ્યમંત્રીએ વરસાદ અને વિશ્વામિત્રીની વાત કરી હતી. તેમણે કહ્યું, આ વખતે એટલો કે વાંધો આવે એમ નથી. વધુમાં કહ્યું, વિશ્વામિત્રીના ઘણુંખરું કામ આ વર્ષે પૂર્ણ થઈ ગયું હશે. જો કોઈ કામ બાકી હશે તો આવતા વર્ષ સુધીમાં ચોક્કસ પૂર્ણ થઈ જશે. અત્રે નોંધનીય છે કે, ગતવર્ષે વડોદરામાં આવેલા ભારે પૂર બાદ મુખ્યમંત્રીએ વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે 1200 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. જેમાંથી ટૂંકા ગાળાની કામગીરીમાં ચાલુ વર્ષે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી હતી. હવે આવનારાં વર્ષમાં આજવા બેરેજ સહિતના અન્ય બાકી કામો છે તે પૂર્ણ કરવામાં આવશે.
અર્બન ઈનોવેશન સમિટના પ્રસ્તાવો પર અમલ અંગે અનિશ્ચિતતા !
અગાઉ પણ આ પ્રકારે બુદ્ધિજીવીઓ સમિટનું આયોજન કર્યું હતું. પરંતુ સમિટ બાદ કોઈ ખાસ કામગીરી દેખાઈ હતી. આ વર્ષે પણ અર્બન ઇનોવેશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું આયોજન વડોદરામાં કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના બુદ્ધિજીવીઓ વિવિધ પ્રસ્તાવો પર ચર્ચા કરી હતી. જો કે, ખરેખર આ પ્રસ્તાવનાઓ પર કામ થાય છે કે કેમ તે આગામી વર્ષોમાં જોવાનું રહેશે.