મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકાએ તૈયારીઓ શરૂ કરી
પાલિકાની અલગ અલગ ટીમો દ્વારા કાર્યક્રમ સ્થળની સફાઈ અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં જોતરાઈ
વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાની મુલાકાત લેવાની શક્યતા છે. રાજ્ય સરકારની અર્બન ડેવલોપમેન્ટ યોજના હેઠળ વડોદરામાં વિશેષ કાર્યક્રમનું આયોજન થવાની શક્યતા છે. મુખ્યમંત્રીની મુલાકાતને લઈ વડોદરા મહાનગરપાલિકાએ ખાસ તૈયારીઓ શરૂ કરી છે. માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના નવલખી વિસ્તારમાં કાર્યક્રમ યોજી અર્બન ડેવલોપમેન્ટ સંબંધિત વિવિધ યોજનાઓનું આયોજન કરવાની ઘોષણા કરી શકે છે. મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે પાલિકા દ્વારા સુરક્ષા વ્યવસ્થા, સ્પષ્ટ માર્ગદર્શિકા, અને કાર્યક્રમ સ્થળની સંપૂર્ણ સફાઈ સહિતના કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વિવિધ વિભાગના અધિકારીઓને કામગીરી માટે અલગ અલગ જવાબદારી સોંપાઈ છે. પાલિકા અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે કે, મુખ્યમંત્રીની મુલાકાતને લઈને અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી દેવાઈ છે. મુખ્યમંત્રી વડોદરાને નવી વિકાસને ભેટ આપે તેવી પણ શક્યતાઓ છે. ચાલુ વર્ષમાં મુખ્યમંત્રીની આ બીજી મુલાકાત હશે. અગાઉ ભૂપેન્દ્ર પટેલે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી વિશ્વામિત્રી નદીની મુલાકાત લઈ કામનું નિરીક્ષણ કર્યું હતું. હવે શનિવારે તેઓ ફરી એકવાર વડોદરા આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેઓ વડોદરા શહેરને વિકાસ કામોની પણ ઘોષણા કરે તેવી શક્યતાઓ છે.
મુખ્યમંત્રીના આગમનને લઈને પાલિકા ખાતે દિવસ દરમિયાન બેઠકો ધમધમી હતી. મોડી સાંજ સુધી પાલિકાની વડી કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કમિશનરે બેઠક યોજી કાર્યક્રમનું આયોજન કર્યું. જેમાં તમામ વિભાગના અધિકારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતને લઈને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે.