વિશ્વામિત્રી નદીમાં રોજિંદા છોડવામાં આવતાં ગંદા પાણીને લઈને સ્થાનિકો પરેશાન, વરિષ્ઠ ધારાસભ્યે મુખ્યમંત્રી સમક્ષ મુદ્દો ઉઠાવ્યો
વડોદરા: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા પ્રવાસ દરમિયાન વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નિવાસસ્થાને પહોંચી તેમની તબિયત વિશે જાણકારી લીધી હતી. તાજેતરમાં ધારાસભ્ય યોગેશ પટેલને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેઓ ઘરે આરામ પર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટના નિરીક્ષણ માટે આવ્યા હતા. તેમના શેડ્યૂલ પૂર્ણ થયા બાદ તેમણે યોગેશભાઈ પટેલના ઘરે જઈને તેમની સાથે સ્નેહભરી મુલાકાત લીધી અને સ્વાસ્થ્ય અંગે વિગતો મેળવી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રી સમક્ષ એક મહત્વપૂર્ણ મામલો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીમાં રોજિંદા છોડવામાં આવતાં ગંદા પાણીને લઈને સ્થાનિકો પરેશાન છે. નદીનું જળ પ્રદૂષિત થવા સાથે આસપાસના વિસ્તારના લોકોને પણ આરોગ્યની ચિંતા રહી છે. મુખ્યમંત્રીએ આ રજૂઆતની નોંધ લીધી હતી અને વચન આપ્યું કે તાત્કાલિક યોગ્ય તંત્ર દ્વારા તપાસ કરાવી અસરકારક પગલાં લેવામાં આવશે.