રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયા, રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિ
વડોદરા::મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વડોદરામાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ, વર્કિંગ વુમેન હોસ્ટેલ તેમજ મેડિકલ અને ફિઝિયોથેરાપી સેન્ટરનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. સામાજિક ઉત્કર્ષ માટે આવી સુવિધાઓ ઊભી કરવાની પહેલની સરાહના કરતાં તેમણે જણાવ્યું હતું કે સમાજના સહયોગથી શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ માટે ઊભી થતી આવી સુવિધાઓ રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સરકાર અને સમાજના સહયોગથી સર્વસમાવેશક, શિક્ષિત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ગુજરાત દ્વારા વિકસિત ભારતનું નિર્માણ થશે.

પટેલે ખાસ કરીને ગર્લ્સ હોસ્ટેલ અને વર્કિંગ વુમેન હોસ્ટેલને સમાજમાં સકારાત્મક પરિવર્તન અને મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દ્વારા કન્યા શિક્ષણને જનઆંદોલનનું સ્વરૂપ મળ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલ “જે કહીએ તે કરીએ”ના કાર્યમંત્રને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજે સમયબદ્ધ આયોજન દ્વારા ચરિતાર્થ કર્યો છે, જે માટે સમગ્ર સમાજ અભિનંદનને પાત્ર છે. તેમણે જણાવ્યું હતું કે લેઉવા પટેલ સમાજે પરંપરાગત રીતે મહેનત, ઈમાનદારી અને રાષ્ટ્રપ્રેમને જીવનમૂલ્ય તરીકે સ્વીકાર્યા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ૨૦૦૧ પૂર્વે રાજ્યમાં મેડિકલ સીટોની સંખ્યા મર્યાદિત હતી, જ્યારે આજે જિલ્લાદીઠ મેડિકલ કોલેજના આયોજનથી દર વર્ષે 7,000થી વધુ ડોક્ટરો તૈયાર થઈ રહ્યા છે. તે જ રીતે વિજ્ઞાન પ્રવાહની શાળાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આરોગ્ય ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સર્વાંગી અભિગમ હેઠળ રાજ્યમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોનું વ્યાપક નેટવર્ક વિકસિત થયું છે.

તેમણે કહ્યું કે વડોદરા જેવી સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સાહિત્યની નગરીમાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત મહિલાઓ માટે આવાસ તથા આરોગ્ય સેવાઓ સુલભ બનાવવાનો સમાજનો પ્રયાસ પ્રશંસનીય છે. સમાજના શ્રેષ્ઠીઓના દાન અને સહયોગથી નિર્માણ થયેલી આ સુવિધાઓ જરૂરિયાતમંદોને આધાર આપશે અને સામાજિક સમરસતાને મજબૂત બનાવશે.

તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા સ્થાપિત મેડિકલ અને ફિઝિયોથેરાપી સેન્ટરથી લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે. પાટીદાર સમાજે જ્યાં જ્યાં વસવાટ કર્યો છે ત્યાં પોતાની સંસ્કૃતિ, ભાષા અને સામાજિક મૂલ્યોને જાળવી રાખી સરકાર સાથે ખભે ખભા મિલાવી વિકાસયાત્રાને આગળ ધપાવી છે.

મુખ્યમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ‘વિકસિત ભારત–2047’ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. સામાજિક સહયોગની દિશામાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ અગ્રેસર રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.

કન્યા છાત્રાલય તથા વર્કિંગ વુમેન હોસ્ટેલમાં ગર્લ્સ અને વર્કિંગ વુમેનને મળીને કુલ ૧૭૫ દીકરીઓ અને મહિલાઓને નિવાસની સગવડ ઉપલબ્ધ થાય તે હેતુથી ૪૬ આરામદાયક રૂમો તથા અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ઉપરાંત લાઈબ્રેરી/રીડીંગ રૂમ, જીમ અને રીક્રીએશન હોલ જેવી સુવિધાઓ તેમજ પોષણયુક્ત અને સ્વચ્છ આહાર માટે મેસની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે.

આ સંસ્થા દ્વારા વર્ષ ૨૦૦૯થી કાર્યરત કુમાર છાત્રાલયનું વ્યાપક નવીનીકરણ કરવામાં આવ્યું છે તેમજ વધતી આવશ્યકતાઓને ધ્યાનમાં રાખી નવું કુમાર છાત્રાલય નિર્માણ કરવામાં આવ્યું છે. પરિણામે હવે કુલ ૧૭૫ દીકરાઓને નિવાસ આપવાની ક્ષમતા ધરાવતા ૪૨ રૂમો તથા સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. બંને છાત્રાલયોને અનુસરી સમાજભવન પરિસરમાં પૂરતી પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.

આ પ્રોજેક્ટ માટે કન્યા છાત્રાલય અને વર્કિંગ વુમેન હોસ્ટેલના નામકરણ દાતાશ્રી કે.કે. વિઠાણી પરિવાર (ફામસન ગ્રુપ) તરફથી રૂ. ૩.૦ કરોડનો આર્થિક સહયોગ મળ્યો છે. કુમાર છાત્રાલયના નામકરણ દાતા પરસોતમભાઈ એન. ગેવરીયા, અમદાવાદ તરફથી રૂ. ૨.૨૧ કરોડનો સહયોગ પ્રાપ્ત થયો છે. ઉપરાંત અમદાવાદ, સુરત, રાજકોટ, મુંબઈ સહિત વિવિધ શહેરોના લેઉવા પટેલ સમાજના દાતાઓ તરફથી નોંધપાત્ર સહયોગ મળ્યો છે.
પ્રાસંગિક પ્રવચન કાનજીભાઈ ભાલાળાએ કર્યું હતું અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વડોદરાના પ્રમુખ પી.પી. કાનાણી દ્વારા પ્રવૃત્તિની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. ૨૫ લાખ, ૫૧ લાખ તથા એક કરોડ અને તેનાથી વધુ દાન કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ૨.૨૧ કરોડના દાતા પરસોતમભાઈ ગેવરીયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મેયર પિન્કીબેન સોની, સાંસદ હેમાંગભાઈ જોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શીતલભાઈ મિસ્ત્રી, રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, રવજીભાઈ વસાણી, ગોરધનભાઈ ઝડફિયા, સુરત સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા, મગનભાઈ રામાણી (અમદાવાદ), કેયુરભાઈ રોકડિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, અમીલાઇફના ગિરીશભાઈ ચોવટિયા, ડો. જયપ્રકાશ સોની, જીગ્નેશભાઈ વસોયા, અશ્વિનભાઈ ગોળવીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું:
● સરકાર અને સમાજના સહયોગથી સર્વસમાવેશક, શિક્ષિત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ગુજરાત દ્વારા વિકસિત ભારતનું નિર્માણ થશે
● સમાજના સહયોગથી શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ માટે ઊભી થતી સુવિધાઓ રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે
● સમાજમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વધી છે