હરણી બોટકાંડના પીડિત પરિવારો સર્કિટ હાઉસ પહોંચ્યા, CM ભુપેન્દ્ર પટેલ સુધી રજૂઆત પહોંચી નહીં
પીડિત પરિવારની વ્યથા: ‘અમે આજે પણ ન્યાય માટે રાહ જોઈ રહ્યા છીએ’
વડોદરાના હરણી બોટકાંડમાં જાનહાનીનો ભોગ બનેલા પરિવારો આજે પણ ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે હતા, ત્યારે પીડિત પરિવારના સભ્યો સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા, પરંતુ તેઓ પોતાની રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરી શક્યા નહીં.
આ ઘટના વિશે પીડિત પરિવારના એક સભ્ય અલ્તાફભાઈએ જણાવ્યું કે, “અમે આશરે સાંજે 8 વાગ્યે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં અમને પોલીસ દ્વારા કોન્ફરન્સ હોલમાં બેસાડવામાં આવ્યા. ત્યાં 8 મૃતક બાળકોના માતાપિતા હાજર હતા. અમને જણાવાયું કે મુખ્યમંત્રીની ફ્લાઇટ મોડે ઉતરવાની છે.” પરંતુ, મુખ્યમંત્રી સાથે સીધી મુલાકાત થવા માટેના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. છેલ્લે, જો.સીપી લીના પાટીલે પીડિત પરિવારોની રજૂઆત સાંભળી અને મંગળવારે પોલીસ ભવનમાં મળવા માટે આમંત્રિત કર્યા.
હરણી બોટકાંડની ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, છતાં પીડિત પરિવારોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. અલ્તાફભાઈએ વધુમાં કહ્યું, “વળતર માટે પણ હજુ સુધી કોઈ ચોક્કસ નિરાકરણ આવ્યું નથી.”
