Dahod

મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ લીમખેડામાં રૂ. એક કરોડના વિકાસ કામોની દરખાસ્ત

નગરના મુખ્ય માર્ગો પર સોલાર સ્ટ્રીટ લાઇટ, વર્ષો જૂના રસ્તાના પ્રશ્નોનો કાયમી ઉકેલ મળશે

દાહોદ, તા. 4 |

દાહોદ જિલ્લાના મહત્વના તાલુકા મથક એવા લીમખેડા નગરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા અને ગ્રામજનોનું જીવન વધુ સુગમ બનાવવા લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વર્ષ 2025–26 માટે અમલમાં મુકાયેલી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા અંદાજે રૂ. એક કરોડના વિકાસલક્ષી કામોની દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારીને મોકલવામાં આવી છે.
લીમખેડા ગ્રામ પંચાયતના જાગૃત સરપંચ દિનેશભાઈ ભરવાડ દ્વારા તૈયાર કરાયેલી આ દરખાસ્તમાં નગરના વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોના ઉકેલ માટે આયોજન કરાયું છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ કામ હડફ નદીના તટે આવેલા સ્મશાન સુધી પહોંચવાના પાકા રસ્તાનું છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ સ્મશાન સુધી કોઈ પાકો માર્ગ ન હોવાને કારણે ગ્રામજનોને ખાસ કરીને ચોમાસા દરમિયાન ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રૂ. 50 લાખના ખર્ચે સ્મશાન સુધી આરસીસી રસ્તો બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.
બીજા મહત્વના પ્રકલ્પ તરીકે ભરવાડ ફળિયાથી સ્થાનિક પ્રાથમિક શાળા સુધીના માર્ગ માટે રૂ. 40 લાખના ખર્ચે 20 ફૂટ પહોળો આરસીસી રસ્તો બનાવવાનું આયોજન કરાયું છે. હાલ આ માર્ગ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ તથા સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ ઉપરાંત વિકાસ આયોજનમાં આધુનિકતા અને ગ્રીન એનર્જીનો સમન્વય કરતાં રૂ. 10 લાખના ખર્ચે લીમખેડા નગરના મુખ્ય માર્ગો અને નવા બનનારા રસ્તાઓ પર ‘હાઈમાર્ક સોલાર સ્ટ્રીટ લાઈટ’ લગાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ સોલાર લાઈટો દ્વારા રાત્રિના સમયે નગર રોશનીથી ઝળહળી ઉઠશે તેમજ વીજ બચત, પર્યાવરણ સંરક્ષણ અને સુરક્ષામાં વધારો થશે.
હાલ આ તમામ વિકાસ કામોની દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) પાસે મંજૂરી અર્થે પેન્ડિંગ છે. ટેકનિકલ ચકાસણી બાદ દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવશે. મંજૂરી મળતાની સાથે જ લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી કામગીરી હાથ ધરવામાં આવશે.
આ અંગે સરપંચ દિનેશભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, લીમખેડાના નગરજનોની વર્ષોની માંગણીને ધ્યાનમાં રાખી સ્મશાન સુધીનો રસ્તો, પ્રાથમિક શાળા સુધી આરસીસી રોડ અને સોલાર સ્ટ્રીટ લાઈટનું આયોજન મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ આ તમામ કામો તાત્કાલિક શરૂ કરવામાં આવશે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top