Vadodara

મુખ્યમંત્રી આવી રહ્યા હોવાથી એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના રસ્તાઓનું તાત્કાલિક રીપેરીંગ કરાયું

માર્ગોનું તાત્કાલિક રીપેરીંગ, સફેદ પટ્ટા, અને રંગ-રૂપ બદલવાની કામગીરી હાથ ધરાઈ

રસ્તા પરના ખાડા પૂરી, રોડ રોલર ફેરવીને રસ્તાઓને સમતળ બનાવાયા

વડોદરા: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રવાસને લઈ વડોદરા શહેરમાં વિકાસ કાર્યો અને તૈયારીઓમાં ઝડપ આવી છે. મુખ્યમંત્રીના આગમન પહેલા એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના માર્ગોનું તાત્કાલિક રીપેરીંગ, સફેદ પટ્ટા, અને રંગ-રૂપ બદલવાની કામગીરી હાથ ધરાઈ હતી. રસ્તા પરના ખાડા પૂરી, રોડ રોલર ફેરવીને રસ્તાઓને સમતળ બનાવાયા છે. આ ઉપરાંત, દબાણ હટાવવાની કાર્યવાહી પણ ગતરોજ તડામાર હાથ ધરાઈ હતી.


મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન તેઓ કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીની ઊંડા-પહોળા કરવાની કામગીરીનું નિરીક્ષણ કરશે. આ પ્રોજેક્ટ શહેર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે વિશ્વામિત્રી નદી વડોદરાની જીવનરેખા છે.



મુખ્યમંત્રીના હસ્તે શહેર અને જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. જેમાં અટલ જનસેવા કેન્દ્ર, સ્ટાર્ટ-અપ સિનર્જી કાર્યક્રમ, મહિસાગર વિયર, અને અન્ય વિવિધ વિકાસ કામોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોમાં સાંસદ, ધારાસભ્ય, અને ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે.

શહેરજનોમાં ચર્ચા છે કે, આવા તાત્કાલિક વિકાસ કામો માત્ર ઉચ્ચ નેતાઓની મુલાકાત સમયે જ કેમ થાય છે અને નિયમિત રીતે કેમ નથી થતા? આ પહેલા મુખ્યમંત્રીએ એક જાહેર કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી, ગૃહ મંત્રી કે કોઈ મોટો નેતા આવે ત્યારેજ સાફ સફાઈ નહીં કરવાની કાયમ માટે કામગીરી કરવી જોઈએ.
વડોદરા મનપાની બેદરકારીને કારણે વિશ્વામિત્રી નદીમાં ડ્રેનેજનું ગંદું પાણી છોડાતું હોવાના આક્ષેપો પણ થયા છે, જેને લઈને સ્થાનિકોમાં નારાજગી છે.



સંપૂર્ણ રીતે, મુખ્યમંત્રીના પ્રવાસને લઈ શહેરમાં વિકાસ અને સફાઈ કામોને ઝડપી ગતિ મળી છે, પરંતુ શહેરજનોને આશા છે કે આવા કામો માત્ર પ્રસંગોપાત નહીં, પણ નિયમિત રીતે થાય.

Most Popular

To Top