Vadodara

મુક્તાનંદ સર્કલ પર ટ્રાફિક સિગ્નલની ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ ગેમ: ગ્રીન લાઈટ માત્ર 3 સેકન્ડ!

કારેલીબાગના મુખ્ય સર્કલ પર વાહન ચાલકો ગ્રીન થતાં જ ગાડી ઉપાડે ત્યાં લાઈટ લાલ! વડોદરા ટ્રાફિક તંત્રનું ધ્યાન ક્યારે દોરાશે?

લાંબા સમયથી સિગ્નલની ખામી અંગે ફરિયાદ છતાં નિરાકરણ નહીં; પોલીસની હાજરીમાં પણ તંત્રની ‘સાવ સૂસ્ત’ કામગીરી.

વડોદરા શહેરના ટ્રાફિક મેનેજમેન્ટની કામગીરીમાં ‘એક કાઢો અને અનેક ખામી મળે’ તેવો ઘાટ સર્જાયો છે. એક તરફ જ્યાં સિગ્નલની જરૂર નથી ત્યાં સિગ્નલો મૂકી દેવાયાના આક્ષેપો છે, તો બીજી તરફ હાલમાં અનેક વ્યસ્ત સ્થળોએ સિગ્નલો વારંવાર ખોટકાઈ રહ્યા છે. આ બેદરકારીનું જ્વલંત ઉદાહરણ કારેલીબાગ વિસ્તારના મુક્તાનંદ ત્રણ રસ્તા પર જોવા મળી રહ્યું છે, જ્યાં ટ્રાફિક સિગ્નલનું ગ્રીન સિગ્નલ માત્ર ત્રણથી પાંચ સેકન્ડ માટે જ ખુલ્લું રહે છે. આ ‘એક્સપ્રેસ’ ગ્રીન લાઈટના કારણે અસંખ્ય વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.
મુક્તાનંદ સર્કલ પરથી રોજ પસાર થતા હજારો વાહન ચાલકો છેલ્લા ઘણા દિવસોથી આ વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. સિગ્નલ રેડમાંથી ગ્રીન થતાં જ વાહન ચાલક પોતાનું વાહન ચાલુ કરી ગિયર નાખે ત્યાં સુધીમાં તો ગ્રીન લાઈટ તુરંત જ રેડ સિગ્નલમાં પરિવર્તિત થઈ જાય છે. પરિણામે, ઘણા ચાલકો અટકી શકતા નથી અને ઉતાવળમાં પોતાનું વાહન હંકારી દે છે, જે ટ્રાફિક નિયમોના ભંગની સાથે સાથે ગંભીર અકસ્માત થવાની સંભાવના પણ વધારે છે.
આ વ્યસ્ત ત્રણ રસ્તા પર ક્યારેક ટ્રાફિક પોલીસ જવાનો પણ ફરજ પર હાજર હોય છે. તેમ છતાં, તેમની હાજરીમાં પણ લાંબા સમયથી સિગ્નલની આ ખામી યથાવત રહેતા, સવાલ ઊભો થાય છે કે શું શહેર ટ્રાફિક પોલીસ તંત્ર આ ગંભીર પરિસ્થિતિથી માહિતગાર છે કે કેમ? જો માહિતગાર હોય, તો પ્રશ્નનું નિરાકરણ કેમ લાવવામાં આવતું નથી?
વધુમાં, ઘણા દિવસો અગાઉ એક જાગૃત નાગરિકે શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ અસામાન્ય સમયગાળાવાળા સિગ્નલ અંગે ધ્યાન દોર્યું હતું. જોકે, તે ફરિયાદ બાદ પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. કંટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાયા બાદ પણ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી.
શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલો ખોટકાઈ જવાની ફરિયાદો વારંવાર ઉઠી રહી છે. ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ તેના યોગ્ય મોનિટરિંગ અને મેન્ટેનન્સમાં તંત્રની ઉદાસીનતા સ્પષ્ટ જણાઈ આવે છે. મુક્તાનંદ સર્કલ ખાતેના આ સિગ્નલને તાત્કાલિક મરામત અને સમયગાળાના પુનઃનિયમનની સખત જરૂર છે, જેથી વાહન ચાલકોની હેરાનગતિ અટકે અને સંભવિત અકસ્માતોને ટાળી શકાય.

Most Popular

To Top