યોગેશભાઈએ પોલીસ કમિશનરને કરી ફરિયાદ, સાયબર ક્રાઇમને તપાસ સોંપાઈ
ભેજાબાજે પોતે મુંબઈ પોલીસનો અધિકારી હોવાનું કહી ફોન કર્યો
તું જે સ્કૂલમાં ભણ્યો છે, તેનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું” કહેતા જ ઠગે ફોન કાપી નાખ્યો
વડોદરા:;વડોદરા શહેરમાં સાયબર ઠગાઈના બનાવો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. તાજેતરમાં મુંબઈ પોલીસના નામે ફોન કરીને વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાની કોશિશ કરાઈ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, અજાણ્યા વ્યક્તિઓએ પોતાને મુંબઈ પોલીસના અધિકારી તરીકે ઓળખાવી યોગેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. ફોનકોલ દરમિયાન ખોટા કેસની ધમકી આપી તેમને ડિજિટલ અરેસ્ટ કરવાની વાત કરી માનસિક દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, યોગેશભાઈએ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી કોઈપણ પ્રકારની માહિતી કે લેવડદેવડ કરવાનું ટાળ્યું હતું.
આ બનાવ અંગે યોગેશભાઈ પટેલે તાત્કાલિક વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમારને લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતાની સાથે જ પોલીસ કમિશનરે આ ગંભીર મામલાની તપાસ સાયબર ક્રાઇમ વિભાગને સોંપી દીધી છે.
પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં આ સમગ્ર ઘટનાને સાયબર ફ્રોડનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. સાયબર ક્રાઇમ વિભાગ કોલ ડિટેઈલ્સ, ટેક્નિકલ પુરાવા અને અન્ય ડિજિટલ માહિતીના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યું છે.. સાયબર માફિયાએ ફોન કરી પોતે મુંબઈ પોલીસમાંથી બોલું છું તેમ કહી ધારાસભ્યને નોટિસ મોકલ્યાનું જણાવ્યું હતું. જોકે ધારાસભ્યની ચતુરાઈ સામે સાયબર ઠગ તરત જ ઊંધો પડી ગયો હતો.
ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, 28 ડિસેમ્બરના રોજ સવારના લગભગ 11.30 વાગ્યે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ પહેલા તેમનું નામ અને મોબાઇલ નંબર પુછ્યું હતું, જે બાદ તેણે ગુજરાતીમાં વાત કરતાં જણાવ્યું કે, “હું મુંબઈ પોલીસમાંથી બોલું છું અને તમને નોટિસ મોકલવામાં આવી છે.”
આ વાત સાંભળતાં જ ધારાસભ્યને શંકા ગઈ હતી. તેમણે સામે ફોન પર વાત કરતા કહ્યું હતું કે, “તું જે સ્કૂલમાં ભણ્યો છે, તેનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું.” આ સાંભળતાં જ સાયબર ઠગે તરત જ ફોન કાપી નાખ્યો હતો.
આ ઘટના બાદ યોગેશ પટેલે તરત જ વડોદરા શહેરના પોલીસ કમિશનરને સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરે સાયબર ACP સાથે ચર્ચા કરી હતી. જે નંબર પરથી કોલ આવ્યો હતો તેની તમામ વિગતો સાયબર સેલને આપવામાં આવી છે. ફોન પર મુંબઈ પોલીસનો લોગો દેખાતો હતો, પરંતુ ગૂગલ પર તપાસ કરતાં તે લોગો ખોટો હોવાનું જણાયું હતું.

બપોર બાદ ધારાસભ્ય યોગેશ પટેલે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં અને રોડ પર લારીઓમાં ખુલ્લેઆમ સિમકાર્ડ વેચાઈ રહ્યા છે, જે ખૂબ જ જોખમી છે. સિમકાર્ડ માત્ર કંપનીના અધિકૃત (ઓથોરાઈઝ્ડ) ડેપો પરથી જ વેચાવા જોઈએ.
ધારાસભ્યએ સૂચન કર્યું હતું કે, જેમ બેંકમાં ખાતું ખોલાવવા માટે કડક ડોક્યુમેન્ટ્સ અને સાક્ષીઓ જરૂરી હોય છે, તેમ જ સિમકાર્ડ ખરીદતી વખતે પણ ગ્રાહક પાસેથી આધાર કાર્ડ, બે ફોટા તથા તેના જ ગામના બે સાક્ષી ફરજિયાત કરવા જોઈએ. જેથી બોગસ દસ્તાવેજોથી સિમકાર્ડ મેળવી સાયબર ગુના કરનારા આરોપીઓને ઝડપવામાં સરળતા રહે.
આ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે યોગેશ પટેલ દ્વારા રજૂ કરાયેલા સૂચનો મહત્વપૂર્ણ છે અને આ અંગે આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.