પ્રાયોગિક ધોરણે હાથ ધરાયેલ પ્રોજેક્ટ સામે સવાલો ઉઠ્યા.
રસ્તામાં પડેલા ખાડા પુરવાના બદલે એટલા ભાગમાં ફૂડ ડેપ્થ રેસ્ટોરેશનની પ્રક્રિયા કરાઈ હતી, ચોમાસામાં ત્યાં પણ ખાડા પડ્યા..
કોર્પોરેશને મુંબઈ પદ્ધતિથી ફૂડ ડેપ્થ રેસ્ટોરેશન (એફડીઆર) અંતર્ગત રસ્તા પર પડેલા ખાડાના મરામત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમાં પાલિકા તંત્રને જોઈએ તેવી સફળતા સાંપડી નથી! ચોમાસા અગાઉ અનેક જગ્યાએ એફડીઆર અંતર્ગત થયેલ કામગીરીની જગ્યાએ રસ્તા પર ફરી ખાડા પડી ગયા છે ત્યારે હવે આવી પદ્ધતિથી વધુ કામગીરી કરવી કે નહીં? તે અંગે તંત્ર સામે સવાલો ઊભા થયા છે.
મુંબઈમાં ફૂડ ડેપ્થ રેસ્ટોરેશન (એફડીઆર) અંતર્ગત વિવિધ જગ્યાએ ખાડા પુરાણ કરવાની કામગીરી થતી હોય છે. જે હેઠળ વડોદરા કોર્પોરેશને થોડા સમય અગાઉ શહેરના વિવિધ વિસ્તારમાં આવી કામગીરી કરાવી હતી. રેલવે સ્ટેશનથી કાલાઘોડા, ફતેગંજ સેફ્રોન સર્કલ થઈ નિઝામપુરા સુધી તથા ફતેગંજ સેફરોનથી ફતેગંજ પેટ્રોલ પંપ સુધી અને અમિત નગર બ્રિજથી એરપોર્ટ સુધી આવી કામગીરી કરવામાં આવી હતી. જાણવા મળ્યા પ્રમાણે, એફડીઆર પદ્ધતિથી થયેલા ખાડા પુરાણ બાદ આ જ જગ્યાએ ચોમાસામાં ફરી ખાડા પડી ગયા છે. જેથી પ્રાયોગિક ધોરણે વડોદરા કોર્પોરેશન દ્વારા થયેલ કામગીરી સામે હવે સવાલો ઉઠવા લાગ્યા છે. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, અમને ફતેગંજ મેન રોડ પર એફડીઆર પદ્ધતિ થયેલ ખાડા અંગે ફરિયાદ પર મળી છે. અહીં માત્ર પેચવર્ક કરવામાં આવ્યું હતું અને હજુ સીલકોટ કરવાનું બાકી છે. જેથી અમે ઈજારદારને સૂચના આપી છે કે, પેચવર્કનો જે ભાગ તૂટી ગયો છે ત્યાં સંપૂર્ણ મરામત અને રસ્તો સમથળ કરાયા બાદ જ તેને નાણાનું ચુકવણું કરવામાં આવશે. જોકે એફડીઆર પ્રયોગ નિષ્ફળ ગયો કે સફળ? તે અંગે અધિકારીએ સ્પષ્ટ કોઈ જવાબ આપ્યો ન હતો. તેમણે એમ કહ્યું કે, હવે તો મુંબઈમાં પણ એફડીઆર પદ્ધતિથી કામ કરતા નથી, ત્યાં પણ હવે પેચવર્ક જ કરવામાં આવે છે.