નશાખોર શિક્ષકના બાળકો સાથેના ગેર વર્તન અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતાં છ મહિના અગાઉ જ અન્યત્ર બદલી કરાઈ હતી
(પ્રતિનિધિ) ડાકોર તા 1
ઠાસરા તાલુકાના મીઠાના મુવાડા પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણ આપવાને બદલે હંમેશા ગેર વર્તન કરતા શિક્ષકને છ મહિના અગાઉ અન્યત્ર બદલી કરાઈ હતી. પરંતુ હાલમાં ફરીથી મીઠાના મુવાડા પ્રાથમિક શાળા ખાતે જ પુનઃ ફરજ પર મુકાતાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરી આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમજ શાળાને તાળાબંધી કરી હતી.
મીઠાના મુવાડા ગામમાં છ મહિના પહેલા ગ્રામજનોએ શાળામાં શિક્ષક પ્રવીણભાઈ માયાવંશી વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. ગામના જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ શિક્ષક પ્રવીણભાઈ શાળામાં ફરજના સમયગાળા દરમિયાન દારૂ પીતા હોય અને બાળકો સાથે વારંવાર ગેર વર્તન કરતા હોવાની રજૂઆત ગ્રામજનોએ કરી હતી.
ગામના લોકોની રજૂઆતોને ધ્યાને રાખી શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે શિક્ષક પ્રવીણભાઈની મીઠાના મુવાડાની શાળામાંથી અન્ય શાળા ખાતે બદલી કરી દીધી હતી . પરંતુ છ મહિના બાદ ફરીથી આ જ શાળામાં શિક્ષક પ્રવીણભાઈ ને હાજર કરાતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠયો છે. વિવાદિત શિક્ષકને મીઠાના મુવાડા પ્રાથમિક શાળા ખાતે હાજર નહીં કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી હતી.
શાળાના બાળકો, વાલીઓ અને ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ
મીઠાના મુવાડા પ્રાથમિક શાળાના વિવાદિત શિક્ષકને છ મહિના અગાઉ બદલી કરી દેવામાં આવી હતી. પરંતુ ફરી મીઠાના મુવાડા પ્રાથમિક શાળા ખાતે હાજર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેથી આ નિર્ણય સામે સ્થાનિક લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાળામાં અભ્યાસ કરતા બાળકો, વાલીઓ અને આગેવાનોએ શાળાની બહાર બેસીને શિક્ષક પ્રવીણભાઈને શાળામાં હાજર ન કરવા માટે શિક્ષણ વિભાગને સ્પષ્ટ જણાવી દીધું હતું. ગ્રામજનોની મરજી વિરુદ્ધ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆતથી માંડીને ઉગ્ર આંદોલન પણ કરવાની ચિમકી આપવામાં આવી છે.
શિક્ષણ જગત માટે લાંછનરૂપ શિક્ષકને હંમેશા નશો કરવાની આદત
મીઠાના મુવાડા પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા શિક્ષકને છ માસ અગાઉ ગ્રામજનોએ ઉગ્ર વિરોધ સાથે રજૂઆત કરતાં બદલી કરાઈ હતી. ગ્રામજનોએ કરેલી રજૂઆતની વિગતો મુજબ શિક્ષક હંમેશા નશો કરવાની આદત ધરાવે છે. તેમજ નશો કર્યા બાદ શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે વારંવાર ગેર વર્તન કરતા હતા. શિક્ષણ ક્ષેત્ર માટે લાંછનરૂપ શિક્ષકની છ મહિના અગાઉ જ અન્યત્ર બદલી કરાઈ હતી.