રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં ખરીદ વેચાણમાં ગેરરીતિના બેનામી વ્યવહારો ડામવા ખાસ તૈયારી
વડોદરા: દેશમાં મિલ્કતોના રજીસ્ટ્રેશનમાં હવે ડિજીટલ ઝડપી કામગીરીને વેગ આપીને મિલ્કતોના સોદામાં થતી ગેરરીતિ અંકુશમાં લેવા સરકાર કમ્મર કસી રહી છે. ખાસ કરીને બિલ્ડર લોબીમાં કરોડોની મિલ્કતોમાં જે બેનામી સોદા થાય છે. તેના પર સરકાર ચાપતી રાખશે. હવે મિલ્કતના ખરીદ-વેચાણ સમયે પક્ષકારોના નોંધાયેલા મોબાઈલ તથા નોંધણી અધિકારીના મોબાઈલ પર આવતા ઓટીપી આધારે પુરા સોદાની રજેરજની માહિતી આવકવેરા વિભાગ પાસે ઉપલબ્ધ થઈ જશે.
સંપતિના ખરીદ-વેચાણમાં અનેક સમસ્યાઓ સરકાર પાસે રજુ થઈ છે. હવે પક્ષકારોને ઓનલાઈન નોંધણીની અધ્યતન સુવિધા મળશે. મિલ્કત સબંધી કરારોમાં દસ્તાવેજ, પાવર ઓફ એટર્ની, વેચાણ વારસા-પ્રોબેટ (કોર્ટ)સહિતના હશે.તેની પણ નોંધણી ફરજીયાત કરાવવી પડશે.
સરકાર મિલકતની નોંધણી ખરીદ-વેચાણની સમગ્ર પ્રક્રિયાને ડિજીટલ અને ઓટીપી પ્રક્રિયા હેઠળ આવરી લેતા આર્થિક ગેરરીતિમાં કાબુ મેળવી શકાશે. ખાસ તો બેનામી સોદાઓ અટકાવી શકાશે. ડિજિટલ પ્રક્રિયાથી સોદાની માહિતી આવકવેરા વિભાગ પાસે સત્વરે પહોંચી જશે.
એક વખત આ પ્રકારે ઓટીપી આધારીત પ્રક્રિયા પુરી થયા બાદ આવકવેરા વિભાગ તેની ચકાસણી કરીને ખરીદનાર-વેચનારના ડેટાની ઊંડી તપાસ કરશે. પાંચથી છ વર્ષમાં આવક અને સંપતિની તમામ વિગત એકત્ર કરશે. અને આવકવેરા રીટર્નમાં ક્રોસ ચેકીંગ થશે અને તેમાં જો આવક કરતા વધુ સંપતિ જાણવા મળશે નો કાયદાકીય કાર્યવાહી કરવા માં આવશે.ખરીદ-વેચાણ કરનાર પાસે જવાબ મંગાશે.મિલ્કતોમાં જે મોટાપાયે કાળા નાણાાના વ્યવહારો થાય છે તેને ઝડપી શકાશે.
મિલકત રજીસ્ટ્રેશન એકટ- ૨૦૨૫ રજૂ થઈ રહ્યો છે
આવકવેરા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ જે નવો મિલકત રજીસ્ટ્રેશન એકટ- ૨૦૨૫ રજૂ થઈ રહ્યો છે તેમાં મિલ્કત કે અન્ય દસ્તાવેજોના રજીસ્ટ્રેશન માટે વન-ટાઈમ પાસવર્ડ (ઓટીપી) સીસ્ટમ અમલીકરણ બાદમાં રજીસ્ટ્રેશન કે સાટાખત નોંધણી,ખરીદ-વેચાણમાં જોડાયેલા વ્યક્તિના પાન-કાર્ડની ખરાઈ ઓટીપીના આધારે કરવામાં આવશે.ત્યાર બાદ આધારકાર્ડની પણ ઓટીપી થશે. તમામ ચકાસણી બાદ તે જ ખરાઈ કરી આપશે. જેની નકલ રજીસ્ટ્રેશન દસ્તાવેજ સાથે કચેરીના રેકોર્ડમાં રહેશે.જેની સોફટ કોપી આવકવેરા વિભાગને મોકલાશે. જે આધારે સોદાની તમામ માહિતી મેળવશે. દેશમાં બેનામી સંપતિઓ અંગે ૩ લાખથી વધુ કેસ હાલ પેન્ડીંગ છે અને તેથી ભવિષ્યમાં આ પ્રકારના સોદાઓ રજીસ્ટ્રેશન સમયે જ ઓળખાઈ જાય તેવી સિસ્ટમ નો આરંભ થયો છે
નોંધણી અધિકારી મોબાઈલ પર માહિતી લઈને otp ના આધારે સોદાની નોંધણીને મંજૂરી આપશે
આધુનિક પદ્ધતિનો ઉપયોગ દાન-ગીફટમાં આપવામાં આવતી સંપતિઓને પણ લાગુ થશે. જેણે સંપતિ ખરીદી ને ટૂંક સમયમાં તે દાન-ગીફટના નામે અન્યને તબદીલ કરી છે. ઘણીવાર એવું પણ સપાટી પર આવ્યું છે કે જે દાન-ગીફટ લે છે તે ખરેખર તો અસલી ખરીદદાર જ હોય છે. હકીકતમાં તે બેનામી આવક છુપાવવા માટે આ પ્રકારના વ્યવહારો કરવામાં આવે છે.