Vadodara

મિત્ર સાથે વડાપાઉં ખાઈ હાથધોવા ઉતરેલો વિદ્યાર્થી પગ લપસતા સેવાસી કેનાલમાં તણાયો

ફાયરબ્રિગેડના જવાનો દ્વારા શોધખોળ પણ પત્તો ન મળ્યો :

જીપીએસ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતા હર્ષવર્ધન સાથે બની દુર્ઘટના : પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ

( પ્રતિનિધિ )વડોદરા,તા.26

મિત્ર સાથે વડાપાઉં ખાઈ હાથધોવા ઉતરેલો વિદ્યાર્થી પગ લપસતા સેવાસી કેનાલમાં તણાયો હતો. બનાવની જાણ કરાતા ફાયરબ્રિગેડના જવાનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી પણ ભાળ મળી ન હતી. જીપીએસ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતો હર્ષવર્ધન કેનાલમાં ડૂબી જતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા હતા.

વડોદરા શહેરના અટલાદરાની જીપીએસ સ્કૂલના ધો.11માં ભણતો હર્ષવર્ધન ક્ષેત્રિય વડસર સ્થિત પોતાના ઘરેથી સવારે એક્ટિવા લઈને નીકળ્યો હતો. રસ્તામાં તેણે આ જ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી ઓમ દુબેને પોતાની સાથે એક્ટિવા પર બેસાડયો હતો. તેઓ સવારે સેવાસી કેનાલ પાસે ગયા હતા અને ત્યાં વડાપાઉનો નાસ્તો કર્યો હતો. ત્યારબાદ મોં-ધોવા તે નજીકથી પસાર થતી કેનાલમા ઢાળવાળી જગ્યાએથી નીચે ઉતર્યો હતો. દરમિયાન તેનો પગ લપસતા તે સીધો જ નહેરના પાણીમાં ખાબક્યો હતો. આ દૃશ્ય જોતા તેના મિત્ર ઓમે બુમરાણ મચાવી મૂકી હતી. જેના કારણે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. દરમિયાન તેણે પોતાના માતા-પિતાને જાણ કરી હતી. તેના વાલીઓએ તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોકે લપસ્યા બાદ હર્ષવર્ધન પાણીમાં ગરક થઇ ગયો હતો. ફાયરબ્રિગેડના લાશ્કરોએ બોટ લાવીને તેની શોધખોળ હાથ ધરી હતી પણ રાત સુધી તેની કોઇ ભાળ મળી ન હતી. આ અંગે પોલીસે તેના મિત્ર ઓમની બનાવ અંગે પૂછપરછ કરીને બનાવની વધુ તપાસ હાથ ધરી છે. આજે ફરીથી ફાયરબ્રિગેડ દ્વારા કેનાલમાં લાપતા થયેલા વિદ્યાર્થીની શોધખોળ કરવામાં આવશે.

Most Popular

To Top