Vadodara

મિત્રતાના ઓઠે આચર્યું કરોડોનું ફુલેકું:

વડોદરાના બિલ્ડર સાથે છેતરપિંડી કરનાર સોનેશ પટેલને કોર્ટે જેલ ભેગો કર્યો

અગાઉ 30 લાખના કેસમાં 2 વર્ષની સજા પામેલા રીઢા આરોપીનો વધુ એક કારનામો, આંકલાવના 5 કરોડના કૌભાંડમાં પણ સંડોવણી

વડોદરા: શહેરના જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી સાથે મિત્રતા કેળવી, આર્થિક જરૂરિયાત જણાવી લીધેલા લાખો રૂપિયા પરત ન કરી ચેક બાઉન્સ કરવાના કેસમાં વડોદરાની કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઇફ્તેખારહુસેન સૈયદની કોર્ટે આરોપી સોનેશ રાવજીભાઈ પટેલને દોષિત ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે જ ફરિયાદીને ચેકની રકમ મુજબ રૂ. 50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
વિગતવાર ઘટના મુજબ, વાસણા ભાયલી રોડ પર રહેતા અને જમીન લે-વેચના વ્યવસાયી ચતુરભાઈ ગોરધનભાઈ દુધાતે જૂના પાદરા રોડ પર પોતાના મકાનનું રી-ડેવલપમેન્ટ કરી એક કોમ્પલેક્ષ બનાવ્યું હતું. આ કોમ્પલેક્ષમાં આરોપી સોનેશ રાવજીભાઈ પટેલ (રહે. આત્મજ્યોતિનગર, ઇલોરાપાર્ક) એ ત્રીજા માળે ઓફિસ ખરીદી હતી. આ વ્યવહાર દરમિયાન બંને વચ્ચે પરિચય થયો હતો જે બાદમાં મિત્રતામાં પરિણમ્યો હતો.
​વર્ષ 2024માં સોનેશે પૈસાની જરૂરિયાત હોવાનું કહી તેની માતાનું ‘ડ્રીમ ક્રિસ્ટલ સ્કીમ’માં આવેલું મકાન ચતુરભાઈને વેચવાની વાત કરી હતી. રૂ. 1.20 કરોડમાં મકાનનો સોદો નક્કી કરી બાનાખત કરાયું હતું. ચતુરભાઈએ ટુકડે-ટુકડે રૂ. 75 લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ સોનેશે ધંધા માટે વધુ રૂ. 1.40 કરોડની માંગણી કરતા, વિશ્વાસના આધારે ચતુરભાઈએ આ રકમ પણ આપી હતી.
સોનેશે લીધેલી રકમ પરત કરવા માટે આપેલો રૂ. 50 લાખનો ચેક બેંકમાં જમા કરાવતા તે અપૂરતા ભંડોળને કારણે પરત ફર્યો હતો. આથી ચતુરભાઈએ તેમના વકીલ પ્રશાંત કાપડિયા મારફતે ‘ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ’ની કલમ 138 હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજી પુરાવા ગ્રાહ્ય રાખી સોનેશ પટેલને સજા ફટકારી છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ: અગાઉ પણ જેલની સજા થઈ છે…
​નોંધનીય છે કે આરોપી સોનેશ પટેલ રીઢો ગુનેગાર હોવાનું જણાય છે, આ જ ફરિયાદીના રૂ. 30 લાખના અન્ય એક ચેક બાઉન્સ કેસમાં પણ સોનેશને અગાઉ બે વર્ષની કેદ અને રૂ. 30 લાખના વળતરનો હુકમ થયેલો છે. મહીસાગર નદી કિનારે સ્કીમ મૂકી રોકાણકારો સાથે અંદાજે રૂ. 5 કરોડની છેતરપિંડી કરવાના આંકલાવ પોલીસ મથકના ગુનામાં પણ તેની સંડોવણી ખુલી છે. દલાલ તરીકે કામ કરતા સોનેશે રોકાણકારોને નોન-એગ્રીકલ્ચરલ જમીન આપવાનું કહી ખેતીલાયક જમીન પધરાવી દઈ વિશ્વાસઘાત કર્યો હોવાની વિગતો પણ સામે આવી છે.

Most Popular

To Top