ડભોઈના ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખી ‘તાત્કાલિક સહાય’ની કરી માંગ!
વડોદરા જિલ્લાના ખેડૂતો માટે નવા વર્ષની શરૂઆત જ ‘માવઠાના માર’ સાથે થઈ છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફેરવી દીધું છે, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ તાત્કાલિક સહાયની માંગણી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.
હવામાન વિભાગે 23 ઓક્ટોબરથી જ કમોસમી વરસાદની આગાહી કરી હતી, અને 25-28 ઓક્ટોબર દરમિયાન વડોદરા જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના હતી. આ આગાહી સાચી ઠરી, અને ડભોઈ તથા વડોદરા તાલુકાના કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ પડ્યો હતો. 26-10-2025 અને 27-10-2025ના રોજ સતત એકધારા વરસાદને કારણે ખેડૂતોના પાકો સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

આ કુદરતી આફતને કારણે મુખ્યત્વે કપાસ અને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. વડોદરા જિલ્લામાં આશરે 5,000 હેક્ટર જમીન પર ઉગાડવામાં આવેલા કપાસના પાકને 60થી 80 ટકા જેટલું નુકસાન થવાનો અંદાજ છે.
વળી, ડાંગરનો પાક લણણી માટે તૈયાર હતો ત્યારે જ વરસાદના પાણી ભરાઈ જવાથી તે સડી જવાની ભીતિ ઉભી થઈ છે. ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે, અને આ અણધાર્યા નુકસાનનો અંદાજ કરોડો રૂપિયામાં હોઈ શકે છે.
ખેડૂતોની આ વેદનાને વાચા આપતા, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. તેમણે પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે:
”દર્ભાવલી (ડભોઈ) અને વડોદરા તાલુકામાં તારીખ 26-10-2025 અને 27-10-2025ના રોજ સતત એકધારો વરસાદ વરસવાને કારણે ખેડૂતોએ લીધેલા ડાંગર, કપાસ જેવા મહત્તમ પાકોને ઘણું નુકશાન થયેલ છે.”
ધારાસભ્ય મહેતાએ મુખ્યમંત્રી સમક્ષ ડભોઈ તેમજ વડોદરા તાલુકામાં થયેલ ડાંગર, કપાસ તથા અન્ય પાકને થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને આર્થિક મદદરૂપ થવા માટે વળતર ફાળવવા માટે ભારપૂર્વક અંગત ભલામણ કરી છે. હવે જોવાનું એ રહે છે કે, સરકાર વડોદરાના ખેડૂતોને આ આફતમાંથી ઉગારવા માટે કેટલી ઝડપથી પગલાં ભરે છે.