વરવું સ્વરૂપ પકડી રહેલો વડોદરા શહેર ભાજપનો આંતરિક વિવાદ
વડોદરા:
વડોદરા શહેર ભાજપમાં બધું ઠીક ચાલી નથી રહ્યું અને અવાર નવાર તણખા ઝર્યા કરે છે. હવે લેટેસ્ટ એપિસોડ ધારાસભ્ય યોગેશ પટેલ અને શહેર પ્રમુખ ડો. વિજય શાહ વચ્ચેનો બહાર આવ્યો છે. યોગેશ પટેલે કલેકટરને લખેલા પત્રની ડોક્ટરે પ્રતિક્રિયા આપી તો હવે યોગેશ કાકાએ પણ વળતો પ્રહાર કર્યો છે કે મારી પાસે રજૂ કરવા જેવો મોટો ખજાનો છે. આ બે નેતાઓ સામસામે આવી જતા હવે આ વિવાદ વધુ વકરે તેવું લાગી રહ્યું છે.
વડોદરા ભાજપમાં લોકસભા ચૂંટણી જાહેર થઈ એ પહેલાથી આંતરિક વિખવાદો ચાલી રહ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠન વચ્ચે તાલમેલનો અભાવ અનેક વખત બહાર આવ્યો છે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે આ વિખવાદને વિકૃત સ્વરૂપ મળ્યું અને ઉમેદવાર બદલવા સુધીની નોબત આવી. હજુ પણ વિવાદો સમવાનું નામ લઈ રહ્યા નથી. વરિષ્ઠ ધારાસભ્ય અને માજી મંત્રી યોગેશ પટેલે કલેકટરને પત્ર લખી જમીન વિવાદો ઉકેલવા જણાવ્યું. આ બાબતે પ્રમુખ ડૉ. વિજય શાહે એવી કોમેન્ટ કરી કે શહેરમાં અનેક પ્રશ્નો છે અને તેની પણ રજૂઆત કરવી જોઈએ. સામે યોગેશ પટેલે પણ ડોક્ટર પર વળતો પ્રહાર કર્યો છે. યોગેશ પટેલે કહ્યું કે મારી પાસે રજૂ કરવા જેવો મોટો ખજાનો છે. તેમનો ટોન ડોક્ટર વિજય શાહને પડકાર આપતા હોય એવો હતો.
ભાજપનું આ આંતરિક યુદ્ધ આવનારા દિવસોમાં વધારે વકરે અનેક બીજા પર માછલાં ધોવાય એવુ લાગી રહ્યું છે.