છાણી પોલીસની ઝડપી કામગીરીથી ગણતરીના દિવસોમાં શોધખોળ, પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન
વડોદરા, તા. 3
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં નોંધાયેલા કિશોર ગુમ થવાના કેસમાં છાણી પોલીસે ઝડપી અને અસરકારક કામગીરી કરી કિશોરને ગણતરીના દિવસોમાં સલામત રીતે શોધી કાઢ્યો હતો. પોલીસે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાડિયા ગામ નજીકથી કિશોરને શોધી વડોદરા લાવી તેના માતા-પિતાને સોંપ્યો હતો.
મળતી માહિતી મુજબ, છાણી વિસ્તારમાં રહેતા કિશોરને માતા-પિતાએ કોઈ અગમ્ય કારણસર ઠપકો આપતા તે મન દુઃખી થઈ કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. આ અંગે પરિવારજનો દ્વારા છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર આર. એલ. પ્રજાપતિ અને પીએસઆઈ જે. જે. ડાભી સહિતની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કિશોર હાલોલ તાલુકામાં હોવાની માહિતી મળતા ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી.
તાડિયા ગામ નજીક તપાસ કરતા કિશોરને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યો હતો. પૂછપરછમાં કિશોરે જણાવ્યું હતું કે ઠપકાથી મન દુઃખી થતાં તે ઘરેથી નીકળી ગયો હતો અને થોડા દિવસ કાઠિયાવાડ વિસ્તારમાં રહી બાદમાં મામાના ગામે પહોંચ્યો હતો.
છાણી પોલીસે કિશોરને વડોદરા લાવી માતા-પિતાને સહી-સલામત સોંપતા પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.