Charotar

માતરમાં વ્હેમીલા પતિએ પત્નીને રહેંસી નાંખી

પતિએ પત્ની ઉપર ચારિત્ર્ય મામલે ખોટો વ્હેમ રાખી કુહાડીથી હુમલો કર્યો

પતિએ ઉપરા છાપરી કુહાડીના ઘા ઝીંકી દેતાં પત્નીનું મોત : પતિ ફરાર થયો

(પ્રતિનિધિ) નડિયાદ, તા.6

માતરમાં પતિ-પત્ની વચ્ચેની તકરાર જીવલેણ સાબિત થઈ છે. પતિએ પોતાની પત્ની પર ચારિત્ર્ય અંગે વ્હેમ રાખી પત્નીની કરપીણ હત્યા કરી નાખી છે. કુહાડી લઈને તૂટી પડેલો પતિએ માત્ર બે મિનિટની અંદર જ ઘર આંગણે બેઠેલી પત્નીને કુહાડીના બે ફટકા માથામાં ઝીંકી ત્યાંથી ફરાર થયો છે. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ પત્નીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. માતર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છ વર્ષના ઘર સંસારમાં ચારિત્ર્યના વ્હેમની શંકાની સોયે કરૂણ અંજામ આપતા બે સંતાનો માતા વિના નોધારા બન્યા છે.

મુળ ખંભાત તાલુકાના દેહઢા ગામના વતની અને હાલ માતર શહેરમાં ખ્રિસ્તી સ્મશાન પાસે નગરીમાં જશુભાઇ વિરસંગભાઈ દેવીપુજક રહે છે. તેમની 24 વર્ષિય દીકરી શીતલના લગ્ન આજથી 6 વર્ષ અગાઉ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણ ગામે રહેતા રોહિત દલસુખભાઈ સાથળીયા દેવીપૂજક સાથે સમાજના રીતી રીવાજ મુજબ થયા હતા. આ શિતલબેન અને રોહિતને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. આ રોહિત ગયા 25 દિવસથી પોતાના સાસરે એટલે કે માતર મુકામે રહેવા આવ્યા હતા. જ્યાં રોહિત ખોડિયાર ચોકડી પાસે પોતાના સસરા જશુભાઇની નજીકમાં મકાઈની લારી ચલાવે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા ત્રણ દિવસથી પતિ રોહિત પત્ની શીતલ પર વ્હેમ રાખી શંકા કરતો હતો. આ બાબતે ઝઘડાઓ પણ કરતો હતો. પત્નીને કહ્યું કે ‘તુ ભાયડા કરે છે’ તેમ કહી ઝઘડો કરવા લાગ્યો હતો. બે દિવસ પહેલા સાંજના સમયે આ રીતે રોહિત બોલાચાલી કરી રીસાઈને ક્યાંક જતો રહ્યો હતો. જેને સોમવારના બપોરના સુમારે પરિવારજનો શોધી લાવ્યા હતા. સોમવારે બપોરના સુમારે શીતલ પોતાના ઘર આંગણે સંતાનો સાથે બેઠી હતી. આ સમયે રોહિત ત્યાં આવી પોતાની પત્ની સાથે ઉપરોક્ત બાબતે ઝઘડો કર્યો હતો. આ ઝઘડો ઉગ્ર બનતા આક્રોશમાં આવેલા પતિ રોહિતે કુહાડી લઈ આવી પત્ની શીતલના માથાના ભાગે ઉપરા છાપરી બે ફટકા ઝીંકી દીધા હતા. જેથી શીતલે ‘ઓ બાપ રે’ એવી બુમ પાડતા તેણીના માવતર દોડી આવ્યા હતા. લોહીથી લથપથ હાલતમાં પોતાની દીકરીને જોઈ માવતર પણ ચોંકી ઉઠ્યા હતા. જોકે આ પહેલા હત્યારો રોહિત કુહાડી લઈને ત્યાંથી ભાગી ગયો હતો. આ બાદ જશુભાઇ વિરસંગભાઈએ તુરંત ગંભીર રીતે ઘાયલ થયેલી દીકરીને સારવાર અર્થે લઈ ગયા હતા. જોકે સારવાર મળે તે પહેલા જ તેણીએ દમ તોડી દીધો હતો. આથી આ બનાવ સંદર્ભે જશુભાઇ દેવીપુજકે પોતાના જમાઈ રોહીત દલસુખ સાથળિયા વિરૂધ્ધ માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top