માતર તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં ઓચિંતા દરોડા પાડવાની કડકપણે થતી કાર્યવાહી પગલે ફફડાટ
(પ્રતિનિધિ) માતર તા.25
ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સરકારી અનાજનો જથ્થો બિન અધિકૃત રીતે સગે વગે થતો હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી પુરવઠા વિભાગ દ્વારા કેટલાક સ્થળોએ ઓચિંતા જ પહોંચી તપાસ હાથ ધરવાની કામગીરી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મહેલજ ગામમાં સરકારી અનાજનો બિન અધિકૃત જથ્થો ખુબ મોટા પ્રમાણમાં ઝડપી પાડવામાં આવ્યો છે. જેથી સમગ્ર માતર તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં ઓચિંતા દરોડા પાડવાની કડકપણે થતી કાર્યવાહી પગલે ફફડાટ વ્યાપી ગયો છે.
માતરના તાલુકાના મહેલજ ગામમાં આવેલ જેન્ટલ એગ્રો ઇન્દ્રસ્ટ્રીજ ખાતે બિન અધિકૃત અનાજનો જથ્થો હોવાનું રજુઆતો મળી હતી. જેથી માતર મામલતદાર દ્વારા રજુઆતના આધારે તપાસ માટે ટીમ તાત્કાલિક પહોંચી હતી. જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં મામલતદાર દ્વારા ત્યાં પડેલા જથ્થાના સ્ટોક પત્રક અંગેની માહિતી માંગતા જેન્ટલ એગ્રો ઇન્દ્રસ્ટ્રીજના ઉસ્માનગની અલ્લારખા વ્હોરા તેઓ આપી ન શક્યા હતા. માતર મામલતદારની ટીમ દ્વારા તપાસ કરતા સ્થળ પરથી ખુબ મોટી માત્રામાં ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. મહેલજ ગામમાં બિન અધિકૃત અનાજનો જથ્થો હોવા બાબતે ખેડા જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરતા તેઓ પણ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યા હતા. આ તપાસ દરમ્યાન જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ખાતે પડેલા અનાજના જથ્થાના મામલે કોઈ જ સ્ટોક પત્રક સહિતના પુરાવા અધિકારીઓને નહી મળતા તમામ અનાજનો જથ્થો સીઝ કર્યો હતો.
340 મેટ્રિક ટન અનાજનો બિન અધિકૃત જથ્થો મામલદાર ટીમે ઝડપ્યો
મહેલજ ગામમાં જેન્ટલ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ખાતે માતર મામલતદાર ટીમે ઓચિંતા જ પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન ચોખાનો જથ્થો 283 મેટ્રિક ટન , 23 મેટ્રિક ટન ઘઉં, 1 ટન બાજરી, 34 ટન કણકી અને 3 ટન દિવેલાનો સ્ટોક ગેરકાયદેસર રીતે રાખેલો મળી આવ્યો હતો. તમામના સેમ્પલ લઈને તમામ સ્ટોક સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
