Charotar

માતરના ત્રાજમાં એ.એલ. મેમોરીયલ હાઈસ્કૂલની કમ્પાઉન્ડ વોલ તોડી કોમર્સિયલ બાંધકામ કરતાં વિવાદ


શૈક્ષણિક જગ્યાનો હેતુફેર કર્યો હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ
(પ્રતિનિધિ) નડિયાદ, તા.10
માતર તાલુકાના ત્રાજ ગામમાં આવેલી એ.એલ. મેમોરીયલ હાઈસ્કૂલની સંરક્ષણ દિવાલ તોડી ત્યાં કોમર્સિયલ 16 દુકાનોનું બાંધકામ કરી દેવાતા વિવાદ છેડાયો છે. ટ્રસ્ટ સંચાલિત આ શાળાની જગ્યામાં કેટલાક મળતીયા ટ્રસ્ટીઓને સાધી અને ગામના ભઊમાફીયા ઈસમો દ્વારા આ કૃત્ય કરાયુ હોવાનો આરોપ ઉઠ્યો છે. જાગૃત નાગરીક દ્વારા આ મામલે શિક્ષણ વિભાગમાં લેખિત ફરીયાદ પણ કરાઈ છે અને શૈક્ષણિક સંસ્થા માટેના શિક્ષણ વિભાગના જરૂરી નિયમોનો ભંગ કરી અને દુકાનોનું બાંધકામ કરાયુ હોય, તેને દૂર કરવા જરૂરી પગલાં લેવાની માંગણી કરી છે.
મળતી માહિતી મુજબ માતર તાલુકામાં આવેલા ત્રાજ ગામમાં ત્રાજ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત એ.એલ. મેમોરીયલ હાઈસ્કૂલ આવેલી છે. આ હાઈસ્કૂલમાં કમ્પાઉન્ડ વોલ તોડી કેટલાક ભૂમાફીયા ઈસમો દ્વારા ત્યાં 16 જેટલી કોમર્સિયલ દુકાનોનું બાંધકામ કરી દેવાયુ છે. આ સમગ્ર મામલે શૈક્ષણિક સ્થળની જગ્યાનો હેતુફેર કરી અને બાંધકામ કર્યાના આક્ષેપ ઉઠ્યા છે. ગામના જ કેટલાક અગ્રણી ભૂમાફીયાઓ દ્વારા ટ્રસ્ટના હોદ્દેદારો સાથે મેળાપીપણુ કરી અને રૂપિયા ઉપજાવી લેવાના હેતુસર આ જગ્યામાં દુકાનો બાંધી દીધી છે. તેમજ આ સમગ્ર બાબતે આંતરીક સહમતિ બનાવી અને ખિસ્સા ગરમ કરવા માટે શૈક્ષણિક સંસ્થાનો કોમર્સિયલ ઉપયોગ કરવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ સમગ્ર મામલો લાલજીભાઈ પરમાર દ્વારા સામે લાવવામાં આવતા ખળભળાટ મચી છે. ટ્રસ્ટના સંચાલકો પણ આ બાબતને લઈ દોડતા થયા છે અને કોમર્સિયલ દુકાનોના બાંધકામને સાચા ઠેરવવા માટે કાયદાકીય રસ્તા શોધવા લાગ્યા છે. બીજી તરફ આ બાબતે હિતેશ પરમાર નામના જાગૃત નાગરીક દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યુ છે કે, આ શૈક્ષણિક સંસ્થાના 100 મીટરમાં કોમર્સિયલ બાંધકામ કરવાની પરવાનગી ન હોવા છતાં અને શૈક્ષણિક સંસ્થાની જગ્યા હોવા છતાં હેતુફેર કરી આ બાંધકામ કરવામાં આવ્યા હોય, તાત્કાલિક આ મામલે સ્થળ તપાસ કરી અને આ કોમર્સિયલ બાંધકામ દૂર કરવાની માંગણી કરી છે.

Most Popular

To Top