Business

માતરના ઉંઢેલા ગામના સરપંચને ગેરરીતિ બદલ હોદ્દા પરથી દુર કરાયાં

સફાઈ, વૃક્ષછેદન અને વોટરવર્ક્સ રીપેરીંગના નામે ભ્રષ્ટાચાર આચર્યો હતો

(પ્રતિનિધિ) નડિયાદ, તા.24

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઊંઢેલા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. ગામના અરજદાર દ્વારા સરપંચ વિરુદ્ધ નાણાંકીય ગેરરીતિ કરી ગ્રામ પંચાયતને નુકસાન કરવામાં આવ્યુ હોવાની ફરીયાદો કરવામાં આવી હતી. જે અંગે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ તપાસ અને સરપંચના ખુલાસા સાંભળ્યા બાદ સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે.

માતરના ઊંઢેલા ગામના વિનુભાઈ જે. મકવાણા દ્વારા પોતાના ગામના સરપંચ ઈન્દ્રવદન પટેલ સામે ગ્રામ પંચાયતમાં નાણાંકીય ગેરરીતિ કરી પંચાયતને આર્થિક નુકસાન કરવામાં આવ્યુ હોવાની ફરીયાદો કરવામાં આવી હતી. જેમાં ગામમાં સફાઈ કામદાર હોવા છતાં અંગત સબંધ ધરાવતા દ્વારકેશ કાર્ટિંગને 2022-23માં 38,250ના બિલો સફાઈના નામે ચુકવ્યા હતા અને આ સિવાય પણ 45,033 રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. જેમાં નિયમોનું પાલન ન થયુ હોવાનું સાબિત થયુ છે.

આ સિવાય વોટર વર્ક્સ રીપેરીંગના નામે રાજકોટ મશીનરી ખેડાને 84,199 પણ ગ્રામ પંચાયતની મંજૂરી વગર ચુકવી અને સરકારી નિયમોનો ભંગ કરાયો હતો. આ સિવાય બાવળની હરાજી કરવામાં ગેરરીતિ કરી હતી અને 4 વૃક્ષો પણ ગેરકાયદેસર રીતે છેદન કરી નાખવામાં આવ્યા હતા. આ તમામ બાબતોમાં સરપંચ તરીકે હોદ્દાનો દૂરઉપયોગ કર્યો હોય અને ગ્રામ પંચાયતને આર્થિક નુકસાન કર્યુ હોવાનું સાબિત થયુ છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અવાર-નવાર સરપંચને ખુલાસો કરવાની તક આપવામાં આવી હતી અને સરપંચે લેખિત રજૂઆત કરી બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમગ્ર બાબતે તપાસમાં સરપંચ દ્વારા કરાયેલી ગેરરીતિ સાબિત થઈ હોવાથી આ મામલે જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. વસાવાએ અંતિમ હુકમ કર્યો છે. જેમાં સરપંચ ઈન્દ્રવદન પટેલને ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ-57ની જોગવાઈઓ મુજબ કસુર અને સત્તાના દૂરઉપયોગ બદલ સરપંચ પદેથી દૂર કરવાનો આદેશ કર્યો છે.

Most Popular

To Top