થ્રી વ્હીલર ટેમ્પો પાછળ ત્રણ કાર વારાફરતી ભટકાઈ, ટેમ્પો ચાલક ફરાર
માણેજા રોડ પર કરાતા વાહનોના આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક અને અકસ્માત થતાં હોવાના આક્ષેપ
આડેધડ પાર્કિંગ બન્યું અકસ્માતનું મુખ્ય કારણ, સ્થાનિકોની કાર્યવાહી કરવા માંગ

વડોદરા તારીખ 3
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં એક સાથે ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટેમ્પો સહિત કુલ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા હતા. મળતી માહિતી મુજબ, રસ્તા પર જતા ટેમ્પો ચાલકે અચાનક બ્રેક લગાવતા પાછળથી આવી રહેલી ત્રણ કાર એક પછી એક પાછળથી અથડાઈ ગઈ હતી.
અકસ્માત બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેને લઈને પોલીસ તેની શોધખોળ હાથ ધરાઈ છે. આ અકસ્માતના કારણે માણેજા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમય સુધી વાહનોની લાઈનો લાગી રહી હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
બીજી તરફ, સ્થાનિક લોકોએ આ અકસ્માત માટે માર્ગ ઉપર કરવામાં આવતી આડેધડ પાર્કિંગને જવાબદાર ગણાવી છે. વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનોના કારણે વાહનવ્યવહાર માટે પૂરતી જગ્યા રહેતી નથી, જેના કારણે વારંવાર અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાઓ ઉભી થાય છે.
સ્થાનિકોમાં આ મુદ્દે રોષ ફેલાયો છે અને લોકોનો સવાલ છે કે આવી આડેધડ પાર્ક કરાતા વાહનો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ? યોગ્ય પગલાં લેવામાં આવે તો આવા અકસ્માતોને અટકાવી શકાય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.