Vadodara

માણેજા ક્રોસિંગ પાસે ટેન્કરે પાછળથી ટક્કર મારતા કાર ડિવાઈડર પર ચડી ગઈ, ચાલક ફરાર

પોલીસે નંબર પ્લેટ વિનાની ટેન્કર કબ્જે કરી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી

( પ્રતિનિધિ )વડોદરા,તા.29

વડોદરા શહેરના માણેજા ક્રોસિંગ પાસે અકસ્માતની ઘટના બની હતી ટેન્કરના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતા કાર બે રાઉન્ડ ફરીને ઉંધી થઈ ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. સદનસીબે કારમાં સવાર પિતા પુત્રનો આબાદ બચાવો થયો હતો.

વડોદરા શહેરમાં ફરી એક વખત ભારદારી વાહનો બેફામ બન્યા છે. ત્યારે શહેરના દક્ષિણ વિસ્તારમાં માણેજા ક્રોસિંગ પાસે અકસ્માતની ઘટના બની હતી. કાર ચાલકે જણાવ્યું હતું કે, ” હું સીધો આવી રહ્યો હતો. ગામડેથી સિટી તરફ જઈ રહ્યો હતો. હું બીજી ટ્રેક પર હતો, હવે એણે પાછળથી એવી ટક્કર મારી કે મને કશી ખબર ન પડી. કોઈ ઓવરટેક નહીં, કશું જ નહીં, સીધી એની ગાડી ચાલતી હતી અને મારી ચાલી રહી હતી. એણે કઈ રીતે પાછળની સાઈડથી લાપટ મારી એટલે મારી આખી ગાડી ફરી ગઈ અને ટક્કર મારી દીધી એટલે ગાડી આખી બે રાઉન્ડ ફરી અને ઊંધી થઈ ઉપર ચડી ગઈ હતી. હું માલસરથી આવતો હતો અને કારેલીબાગમાં મારા પુત્રની ગુજકેટની પરીક્ષા છે,એટલે એ એક્ઝામ અપાવવા માટે જઈ રહ્યો હતો. એને બીજા વાહન મારફતે પરીક્ષા આપવા મોકલી દીધો છે કોઈને વાગ્યું નથી.”

અત્રે મહત્વની બાબત એ છે કે, શહેરમાં આજે પણ ભારદારી વાહનોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. માણેજા ક્રોસિંગ પાસે નંબર પ્લેટ વિનાના ટેન્કર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ટેન્કર કબજે કરી ફરાર થયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top