Vadodara

માણેજા ક્રોસિંગ પાસે ચાલુ એક્ટિવામાં ધુમાડો નીકળ્યા બાદ અચાનક ભીષણ આગ

સ્થાનિકો અને ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી હોનારત ટળી

ગરમીનો કારણે વાહનોમાં આગ લાગવાના બનાવોમાં વધારો, કોઈ જાનહાનિ નહીં

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા માણેજા ક્રોસિંગ પાસે એક ચાલતી એક્ટિવામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને લઈ ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

વડોદરાના માણેજા ક્રોસિંગ પાસેથી પસાર થઈ રહેલી એક એક્ટિવામાં અચાનક ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખું વાહન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. માણેજા શ્રીજી હોસ્પિટલ નજીક બનેલી આ ઘટનાને પગલે આસપાસના રહીશો અને રાહદારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આગ લાગતા જ પ્રથમ આસપાસના સ્થાનિક રહીશોએ ફાયર એક્ટીન્ગ્યુસર વડે આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો, જોકે, તુરંત જ ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ઝડપી હતી કે ફાયર ટીમ પહોંચે તે પહેલા એક્ટિવા બળીને ખાખ થઈ ગઈ હતી. નોંધનીય છે કે, છેલ્લા થોડા દિવસોથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. મકરપુરા અને માણેજા જેવા ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોમાં વાહનોમાં શોર્ટ સર્કિટ અથવા ઓવરહિટીંગને કારણે આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે, નિષ્ણાતોના મતે, ઉનાળામાં વાહનોનું મેઈન્ટેનન્સ ન હોવાને કારણે પેટ્રોલ પાઈપમાં લીકેજ કે વાયરિંગમાં ખામીને લીધે આવી ઘટનાઓ બને છે. એક્ટિવા ચાલક સમયસર વાહન પરથી ઉતરી જવામાં સફળ રહ્યો હતો. જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી.

Most Popular

To Top