વડોદરા, તા. 17
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનમાં પોલીસે રેડ કરીને ગેરકાયદે એલપીજી ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરી કાળાબજારી કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 28 ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પશ્ચિમ એશિયાના દેશોમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગેસ જેવી જીવન જરૂરીયાતની વસ્તુઓની અછત ન સર્જાય તે માટે ઉચ્ચ અધિકારીઓએ ગેરકાયદે ગેસ સિલિન્ડરની કાળાબજારી ઉપર કડક નજર રાખવા સૂચનાઓ આપી હતી.
આ સૂચનાઓના આધારે મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી કે માણેજા ક્રોસિંગ પાસે આવેલી અગ્રવાલ સ્વીટ એન્ડ નાસ્તા નામની દુકાનમાં ભવાનીશંકર ઉર્ફે ભોલો અગ્રવાલ ગેરકાયદે એલપીજી સિલિન્ડરનો સંગ્રહ કરી કાળાબજારી કરી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી વિવિધ કંપનીના એલપીજી ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. પોલીસે આરોપી પાસે સિલિન્ડરના બિલ કે અન્ય કાગળો માંગ્યા હતા, પરંતુ તે કોઈ પુરાવો રજૂ કરી શક્યો ન હતો.
પોલીસે દુકાનમાંથી 10 ભરેલા અને 18 ખાલી મળી કુલ 28 સિલિન્ડર (રૂ. 66,000નો મુદ્દામાલ) કબ્જે કર્યા હતા.
મકરપુરા પોલીસે આરોપી ભવાનીશંકર ઉર્ફે ભોલ વિશ્વંભરદયાલ અગ્રવાલ (રહે. પંચરત્ન સોસાયટી, માણેજા, વડોદરા)ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.