એક મહિના પૂર્વે આપેલી લેખિત ફરિયાદ સામે કોઈ કાર્યવાહી નહિ થતા લોકોમાં રોષ
વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહિ આવેતો વીજ કચેરીમાં હલ્લાબોલ કરવાની ચીમકી રહીશોએ ઉચ્ચારી




( પ્રતિનિધિ )વડોદરા,તા.6
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાતે આવેલા માણેજા ગામમાં શીવબા નગરમાં છેલ્લા ઘણા સમયથી વીજ પોલ જર્જરિત થયો છે, તૂટી પડવાની અણીએ આવેલા વીજ પોલને દૂર કરવા સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, તેમ છતાં આજદિન સુધી કોઈ નિકાલ નહીં કરાતા લોકોએ એમજીવીસીએલના તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.
વડોદરા શહેરના માણેજા ગામ ખાતે આવેલા શિવબા નગરમાં છેલ્લા ઘણા સમયથી વીજ પોલની જર્જરીત હાલત થઈ છે. નગરમાં આવેલા તમામ વીજ પોલ પડવાની અણીએ આવીને ઊભા રહેલા છે, જ્યારે કેટલાક વીજ પોલ નમી પડ્યા છે. તૂટી પડે એવી હાલતમાં હોવાથી મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે. આ અંગે મકરપુરા વીજ કચેરીમાં લેખિતમાં કમ્પ્લેન એક મહિના અગાઉ આપવામાં આવી હતી. ત્યારે ફરજ પરના કર્મીઓએ સાહેબ હજી આવ્યા નથી. ટેબલ પર અરજી મૂકી દો. સાહેબ આવીને જોઈ લેશે તેમ રહીશોને જણાવ્યું હતું. જોકે આ વાતને આજે એક મહિના ઉપરાંતનો સમય વીતી જવા છતાં પણ હજી સુધી વીજ પોલ બદલવામાં આવ્યો નથી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા કે, શું વીજ કંપની કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જુએ છે. જોકે સ્થાનિકોએ જર્જરીત વીજ થાંભલો એક મહિના અગાઉ નજરે પડતા દુર્ઘટનાથી બચવા માટે મકાનની લાઇટો બંધ કરી દીધી હતી. પરંતુ પોલ પરથી પસાર થતી જીવંત વીજ લાઈન બંધ કેવી રીતે થાય એવો પણ સવાલ કર્યો હતો. જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહિ આવેતો વીજ કચેરીમાં હલ્લાબોલ કરવાની ચીમકી રહીશોએ ઉચ્ચારી હતી.